ખાંભાના રાયડીમાં ભાજપના આગેવાનને રેશનકાર્ડ અંગે ખખડાવતા ગ્રામજન.
- ખાંભાના રાયડી અને સરાકડિયા ગામમાં ભાજપની બેઠક, ગ્રામજનોએ હોબાળો કરતાં નેતાઓએ ચાલતી પકડી
- બગસરાના માવજીંજવામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયાને ખેડૂતોએ જાહેરમાં ખખડાવ્યા
- મોરબી-માળિયા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ફોન ન ઉપાડવા બાબતે ગ્રામજનોએ ઉધડો લીધો
સૌરાષ્ટ્રમાં ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર હાલ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા નીકળી ગયા છે. આમાં ધારી અને મોરબી બેઠકમાં ગામડાંના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મત માગવા જનારા રાજકારણીઓને તેઓ જાકારો આપી રહ્યા છે. આવા રાજકારણીઓનો વિડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. મતદારો ક્યાં પક્ષને મત આપશે એ રાજકારણીઓને કળવા દેતા નથી, ખાસ કરીને ભાજપના નેતાઓને જ ગ્રામજનો જાકારો આપી રહ્યા છે.
ખાંભાના રાયડી અને સરાકડિયા ગામમાં લોકોએ જાકારો આપ્યો
ખાંભાના રાયડી અને સરાકડિયા ગામમાં ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ હોબાળો મચાવતાં નેતાઓએ ચાલતી પકડી હતી. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રાયડી ગામના ગ્રામજન ધનશીભાઈએ પોતાના રેશનકાર્ડ બાબતે ભાજપના આગેવાન સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સાત વાર મેં રજૂઆત કરી ત્યારે ભાજપના આગેવાને એમ કહ્યું કે તારું રેશનકાર્ડ આપ હું કરી આપું. ત્યારે ધનશીભાઈએ જણાવ્યું હતું કે સાત વાર મેં તમને કહ્યું છે. ભાજપના આગેવાને કહ્યું હતું કે મારા બાપની પેઢી નથી. ત્યારે ધનશીભાઈએ જણાવ્યું હતું કે તમારા બાપની પેઢી નથી તો તમે પહેલાં કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં આવ્યા છો તો જવાબદારી તમારી જ હોય. રેશનકાર્ડ વગર મારા છોકરાં ભૂખ્યાં રહે છે. બાદમાં ભાજપના નેતાઓને ચાલતી પકડવાનો વારો આવ્યો હતો.

બગસરાના માવજીંજવામાં જે. વી. કાકડિયા અને જયેશ રાદડિયાની ચાલુ સભામાં એક ખેડૂત ઊભો થયો અને પ્રશ્ન કર્યો હતો.
બગસરાના માવજીંજવા ગામે ખેડૂતોએ જયેશ રાદડિયા અને કાકડિયાને ખખડાવ્યા હતા બગસરાના માવજીંજવા ગામે ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા પ્રચાર માટે ગયા હતા ત્યારે ખેડૂતોએ જાહેરમાં તેમને ખખડાવ્યા હતા. ચાલુ સભામાં એક ખેડૂત ઊભો થયો અને ખેતીમાં વીજળી આપવા અંગે પ્રશ્ન કર્યો હતો. આ અંગે જે.વી. કાકડિયાએ જણાવ્યું હતું કે જરૂર પડે ત્યારે મને કહેજો. ત્યારે ખેડૂતે જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સારામાં સારા મંત્રી છે અને તેમના વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો હલ કરે છે તો ધારીમાં કેમ ખેડૂતોના પ્રશ્નો હલ થતા નથી. બાદમાં એક યુવાને રોજગારી બાબતે પ્રશ્ન કર્યો હતો કે છેલ્લાં બે વર્ષથી પેપરો ફૂટી જાય છે અને અમારી મહેનત પાણીમાં જાય છે. આ પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ જે.વી. કાકડિયા ખુરશીમાં બેસી ગયા હતા.

મોરબી-માળિયા વિસ્તારમાં મત માગવા ગયેલા બ્રિજેશ મેરજાને ગ્રામજને ઉધડો લીધો હતો.
મોરબી-માળિયા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ગ્રામજને ઉધડો લીધો
મોરબી-માળિયા વિસ્તારમાં મત માગવા નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સ્થાનિકો ઉધડો લેતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાને સ્થાનિક લોકોએ ફોન ન ઉપાડતાં હોવાનું કહીને ખખડાવ્યા હતા. વિડિયોમાં જોઈ શકાય છે કે મોરબી-માળિયા વિસ્તારમાં પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાનો સ્થાનિકોએ ઉઘડો લીધો હતો. કામ ન કરતા હોવાનું અને ફોન ન ઉપાડતા હોવાનું કહીને સ્થાનિકોએ ઉધડો લીધો હતો. વિડિયોમાં સ્થાનિકો કહે છે, અમારે કોઈપણ પ્રશ્ન હોય તો તમે અમારો ફોન નથી ઉપાડતા, તમને ફોન કરીએ તો તમે બહાર હોવ તો અમારે રજૂઆત ક્યાં કરવી. પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિશે જણાવ્યું હતું કે ખેડૂતોને કામ પડે ત્યારે કાંતિભાઇ તરત આવી પહોંચતા હોય છે. તમને તો ફોન ઉપાડવાનો પણ સમય નથી મળતો, કોરોના ટાઈમમાં રજૂઆત કરવા આવ્યા તો તમે લેખિત અરજી કરવાનું કહ્યું, અમે અરજી પણ કરી, પણ તમે ક્યાંય દેખાયા જ નહિ. બાદમાં બ્રિજેશ મેરજાએ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે એવું કહીને સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું.
મોરબીમાં રૂપાલાની સભામાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો
મોરબીમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ અલગ અલગ ત્રણ જગ્યાએ સભા સંબોધી હતી, જેમાં ત્રીજી સભા શનાળા રોડ પર આવેલા ઉમિયા ચોક ખાતે યોજાઈ હતી. તેમણે સભામાં અલગ અલગ મુદ્દા પર સંબોધન કર્યું હતું, જેમાં નર્મદાના પાણી કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડ્યાના દાવા કરાયા હતા. જોકે સભા પૂર્ણ થયા બાદ જેવા પરસોતમ રૂપાલા અને અન્ય આગેવાનો સ્ટેજ પરથી ઊતરી ગયા કે તરત જ મોરબી શહેરમાં નીતિન પાર્ક અને આસપાસના વિસ્તારોમાં રહેતી મહિલાઓએ છેલ્લાં 5 વર્ષથી પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ કરી મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ લલિત કામરિયા અને અન્ય કાર્યકરોને ઘેરી લીધા હતા અને પાણી પૂરું આપવા માગણી કરી હતી. મહિલાઓની ઘેરાબંધી જોઈ કાર્યકરો મામલો સમેટવા લાગી ગયા હતા અને વહેલી તકે પાણીના નિકાલની ખાતરી આપી મહિલાઓને રવાના કરી હતી.