ગિરનાર ટેમ્પલ રોપવેમાં 18 ટકા GST બાદ કરી ટિકિટનો ભાવ 700 રૂપિયા, પાવાગઢ કરતા હજુ પણ 5 ગણો ભાવ, લોકોએ કહ્યું ચણા-મમરાની જેમ ભાવ ઘટ્યો

0
192

ગિરનાર રોપવે ટિકિટના ભાવમાં મામૂલી 126 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

  • પુખ્તવયના માટે માત્ર 126, બાળકો માટે 63 અને કન્સેશન વાળી ટિકિટમાં માત્ર 72 રૂપિયાનો નજીવો ઘટાડો કર્યો
  • પાવાગઢ રોપવેની લંબાઈ કરતા ગિરનાર રોપવેની લંબાઈ ત્રણ ગણી, પાવાગઢની લંબાઇ મુજબ 447 ભાવ હોવો જોઈએ

ગિરનાર ટેમ્પલ રોપવે બનાવનાર અને સંચાલન કરનાર ઉષા બ્રેકો કંપનીએ ટિકિટમાં GSTના 18 ટકા એટલે કે 126 રૂપિયા વધારાના ચૂકવવા પડતા હતા તે બાદ કર્યા છે. ટિકિટના ભાવને લઈને ધારાસભ્યોથી માંડીને સામાન્ય લોકો સુધી વિરોધ ઉઠ્યો હતો. તેમ છતાં ટિકિટમાં સમાવેલા 18 GSTને બાદ કરતા હવે 700 રૂપિયા ટિકિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. આમ છતાં પણ પાવાગઢ રોપવે કરતા પાંચ ગણું ભાડુ કંપની દ્વારા વસુલવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોએ આ ભાવ ઘટાડાને ચણા-મમરાની જેમ ભાવ ઘટાડ્યાનું કહ્યું હતું.

મુકેશભાઈ કવા-સ્થાનિક

મુકેશભાઈ કવા-સ્થાનિક

હું રોજ 250ના મજૂરીકામે જાવ છું તો આખા મહિનાનો પગાર આમાં જતો રહેઃ સ્થાનિક
જુનગાઢમાં જ રહેતા મુકેશભાઈ કવાએ જણાવ્યું હતું કે, અમે રોપવેનો આનંદ લેવા પરિવાર સાથે આવ્યા તો ભાવ બહુ જ ઉંચો લાગતા અમે પરત ફર્યા હતા. આ ભાવમાં ચાર-પાંચ જણાને કેમ પરવડે. હું 250થી 300 રૂપિયામાં મજૂરીએ જાવ છું. તો મારો મહિનાનો ખર્ચો બધો આમાં જ જતો રહે. સામાન્ય મજૂર લોકો માટે સરકારે વિચારવું જોઈએ. પરેશભાઈ નામના યુવાને જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે ગિરનાર રોપવેમાં સફર કરવા આવ્યા હતા પરંતુ ટિકિટનો ભાવ 700 રૂપિયા છે તે સામાન્ય નાગરિકને પરવડે તેમ નથી. કંપની તરફથી ફરી ભાવ ઘટાડવામાં આવ્યો છે. પરંતુ ભાવ ઘટાડ્યો નથી ચણા-મમરાની જેમ ભાવ ઘટ્યો છે. ખરેખર રોપવેની ટિકિટ 300થી 400ની અંદર હોવી જોઈએ.

ભદ્રેશ સોલંકી-સ્થાનિક

ભદ્રેશ સોલંકી-સ્થાનિક

કંપનીએ ભાવ ઘટાડ્યો છે તે લોલીપોપ જેવો છેઃ સ્થાનિક
નિલેશભાઈ દેવાણીએ જણાવ્યું હતું કે, સરકારે રોપવેનો પ્રોજેક્ટ શરૂ કરી દીધો તે ગૌરવની વાત છે. પરંતુ વિસંગતા એવી છે કે આજે અમે રોપવે માટે ફરવા આવ્યા તો ખબર પડી કે ભાડું તો એટલું મસ મોટુ રાખેલું છે કે, ખરેખર આખા પરિવારને તો પરવડે જ નહીં. આમાં માત્ર પૈસાદાર લોકો જ જઈ શકશે. સામાન્ય લોકોને પરવડે તેવું 250 કે 300 રૂપિયા ભાડું રાખવામાં આવે તો લોકો જઈ શકે. ભદ્રેશ સોલંકી નામના યુવાને જણાવ્યું હતું કે, હાલ અમને જાણવા મળ્યું કે રોપવેમાં ટિકિટના 700 રૂપિયા છે. અમારા ફેમિલીમાં અમે 6 સભ્યો છીએ. આથી 5 હજાર જેવો ખર્ચો થઈ જાય. આથી અમે પરત ફર્યા હતા. આ લોકોએ ભાવ ઘટાડ્યો છે તે લોલીપોપ જેવો છે. જૂનાગઢના લોકોને રાહત
આપી ટિકિટનો ભાવ 300થી 350 રૂપિયા હોવા જોઈએ.

અત્યાર સુધીમાં યાત્રિકો પાસેથી વસુલાયેલા GSTના રૂપિયાનું શું?
સવાલ એ થાય છે કે તો પછી પહેલા શા માટે અલગથી GST વસુલાતો હતો? અત્યાર સુધી રોપવેની મુલાકાત લેનાર પ્રવાસી પાસેથી વસુલાયેલા GSTની રકમનું શું? ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે રોપવે ભાડા અંગેના સરકારના માર્ગદર્શન મુજબ પુખ્ત વયના મુલાકાતીઓ માટે હવે તેમના આવવા જવાના ભાડા પેટે 18 ટકા GST સાથે માત્ર 700 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે બાળકો માટેનું આવવા જવાનું ભાડું GST સાથે 350 રહેશે. તેમજ એક તરફની મુસાફરી માટે GST સાથે 400 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. અગાઉ 18 ટકા GSTઅલગથી લેવામાં આવતો હતો. આમ કંપનીએ ભાવ ઘટાડવાના બદલે માત્ર GSTની મામુલી રકમ ઘટાડી છે. આ રીતે પુખ્તવયના માટેની ટિકિટમાં માત્ર 126, બાળકો માટેની ટિકીટમાં માત્ર 63 અને કન્સેશન વાળી રોપવેની ટિકિટમાં માત્ર 72 રૂપિયાનો નજીવો ઘટાડો કર્યો છે. જોકે, તેમ છત્તાં લોકોને આ ભાવ મંજુર જ નથી. લોકોની એવી અપેક્ષા છે કે હાલ જે ભાડું છે તેમાં 40 ટકા જેટલો ઘટાડો થાય.

ગિરનાર રોપવેની ટિકિટના ભાવને લઈ લોકોમાં રોષ

ગિરનાર રોપવેની ટિકિટના ભાવને લઈ લોકોમાં રોષ

પાવાગઢ રોપવે કરતાં ગિરનાર રોપવેની લંબાઈ 3 ગણી, પણ ટિકિટના દર 5 ગણા વધારે
જૂનાગઢવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન હતું કે રોપવે યોજના સાકાર થાય. રોપવે બને તો પરિવારને તેમજ બહાર રહેતા સગાં-સબંધીઓને રોપવે મારફત યાત્રા કરાવી પુણ્ય કમાઇ શકે. જો કે રોપવેની ટિકિટના ભાવ સાંભળ્યા બાદ તમામ જૂનાગઢવાસીને લાગી રહ્યું છે કે તેમનું સ્વપ્ન રોળાઇ ગયું છે. જેમ ગિરનાર પર્વત આસમાનને આંબી રહ્યો છે તેમ રોપવેની ટિકિટના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પરિણામે, લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ટિકિટના ભાવ અંગે ફેર વિચારણા કરી ભાવ ઘટાડવા જોઇએ તેવી લોકો ભારે રોષ સાથે માંગ કરી રહ્યા છે. બીજી તરફ આ જ કંપની પાવાગઢમાં રોપવેનું સંચાલન કરે છે. પાવાગઢમાં રોપવેની લંબાઇ 736 મીટર છે અને હાલ એનું ભાડું 141.60 રૂપિયા છે, જેની સામે ગિરનાર રોપવેની લંબાઇ ત્રણ ગણી 2320 મીટર છે, પરંતુ ટિકિટના દર 700 રૂપિયા છે. પાવાગઢ કરતાં 5 ગણું ભાડું વસુલવામાં આવી રહ્યું છે.

પાવાગઢની લંબાઇ મુજબ 447 ભાવ હોવો જોઈએ
ગિરનાર રોપવે અને પાવાગઢ રોપવેની સરખામણી કરીએ તો ગિરનાર રોપવેની લંબાઇ વધારે છે, જે પાવાગઢ રોપવેના ટિકિટના ભાવ છે. એ હિસાબે ગિરનાર રોપવેની ટિકિટના ભાવ 447 રૂપિયા હોવા જોઇએ. હાલ 706 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. 14 નવેમ્બર પછી સામાન્ય ટિકિટના 700 રૂપિયા વસૂલવામાં આવશે. જો કે પાવાગઢ રોપવે શરૂ થયો ત્યારે માત્ર 9 રૂપિયા ટિકિટ હતી. એ હિસાબે પણ જૂનાગઢની ટિકિટના ભાવ વધારે છે.

અંબાજીમાં રોપવેની લંબાઈ 363 મીટર અને ભાડુ 118 રૂપિયા
ગબ્બરના ડુંગર પર બિરાજમાન અંબાજી માતાજીના મંદિરે રોપવે સુવિધા છે. અંબાજી મંદિર ખાતેના રોપવેની લંબાઈ 363 મીટર છે. જેમાં પુખ્તવયના લોકો માટે 118 રૂપિયા
ટિકિટ છે અને બાળકો માટે 59 રૂપિયા ટિકિટ છે. અંબાજી મંદિરના રોપવે કરતા ગિરનાર રોપવેની લંબાઈ 6 ગણી વધારે છે. અંબાજી મંદિરની રોપવેની ટિકિટના ભાવ પ્રમાણે
જોવા જઈએ તો ગિરનાર રોપવેની ટિકિટમાં બહુ તફાવત રહેતો નથી.

ગિરનાર રોપવેની ટિકિટના ભાવ પાવાગઢ રોપવે કરતા પાંચ ગણો વધારે

ગિરનાર રોપવેની ટિકિટના ભાવ પાવાગઢ રોપવે કરતા પાંચ ગણો વધારે

જૂનાગઢના લોકો માટે ટિકિટના 150 રૂપિયા રાખો
લોકોની મંગ છે કે ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢવાસીઓ માટે, સિનિયર સિટિઝનો માટે તેમજ દિવ્યાંગો માટે 150 રૂપિયા ટિકિટ રાખવી જોઇએ. જો 700 રૂપિયા ટિકિટ થાય તો મહેમાનોને તો ઠીક પરિવારના સભ્યોને પણ રોપવેમાં લઇ જવું સામાન્ય લોકો માટે અશક્ય બનશે. હાઇવે પરના ટોલનાકામાં આજુબાજુનાં ગામોને ટોલમાંથી મુક્તિ હોય છે. ત્યારે ફ્રી નહીં, પરંતુ વાજબી ભાવ રાખે એ જરૂરી છે. આ માટે સરકારે પણ દરમિયાનગીરી કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here