ટ્વીટમાં પહેલાં લખ્યું- ‘I RETIRE’, પછી લખ્યું- ખેલમાંથી નહીં, નેગેટિવિટી અને થાકથી

0
139

ભારતીય શટલર અને ઓલિમ્પિયન પીવી સિંધુએ સોમવારે પોતાના એક ટ્વીટથી સૌને ચોંકાવી દીધા છે. પહેલાં તો તેણે મોટા અક્ષરોમાં લખ્યું- ‘I RETIRE’. એને જોઈને લોકો માનવા લાગ્યા કે તે રમતગમતમાંથી સંન્યાસ લઈ રહી છે, પરંતુ તેના ટ્વીટમાં વધુ એક પેજ હતું, જેના પર તેણે લખ્યું હતું કે નેગેટિવિટી, થાક, ડર અને અનિશ્ચિતતાથી રિટાયરમેન્ટ લઈ રહી છે, ન કે ખેલક્ષેત્રથી.

આ ટ્વીટ કોરોના પ્રત્યે જાગરુકતા માટે હતું

સિંધુએ આ ટ્વીટ લોકોમાં કોરોના વાઇરસ પ્રત્યે જાગરુકતા વધે એવા હેતુથી કર્યું હતું. તેણે ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે ‘આ મહામારી મારી આંખો ખોલનારી રહી. હું વિરોધી સામે લડવા માટે ઘણી મહેનત કરી શકું છું. ભરપૂર તાકાતની સાથે છેલ્લો શોટ મારી શકું છું. મેં પહેલાં પણ આવું કર્યું છે, હું ભવિષ્યમાં પણ કરી શકું છું, પરંતુ નજરે ન પડતા આ વાઇરસને કઈ રીતે હરાવવો, જેને સમગ્ર વિશ્વને જકડી રાખ્યો છે. ઘરમાં જ રહીને મહિનાઓ વીતી ગયા અને દરેક વખતે બહાર નીકળવા માટે આપણે પોતે જ પોતાની જાતને સવાલ કરીએ છીએ. આ બધી જ વસ્તુઓનો અનુભવ કરીએ છીએ અને ઓનલાઈન હૃદયભંગ થતી એટલી વાતો વાંચી કે હું મારી પોતાની જાતને એટલા સવાલ કરવા લાગી છું કે આપણે ક્યાં જીવી રહ્યા છીએ. ડેન્માર્ક ઓપનમાં ભારતની આગેવાની નહીં કરવાની વાત અંતિમ સ્ટ્રો હતો.’

2019માં વર્લ્ડ ચેમ્પિયન

24 વર્ષની પીવી સિંધુ 2019માં બેડમિન્ટનમાં ભારતની પહેલી વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તેણે ફાઈનલમાં 2017ની ચેમ્પિયન જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી હતી. આ સિંધુનો વર્લ્ડ ચેમ્પિયનમાં 5મો મેડલ હતો. તે એવું કરનારી દુનિયાની બીજી મહિલા ખેલાડી છે. તેણે 1 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ જીત્યા છે.

ડેન્માર્ક ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું

ઓલિમ્પિકમાં સિલ્વર મેડલિસ્ટ સિંધુએ ડેન્માર્ક ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જોકે બાદમાં કોરોનાને કારણે આ ટૂર્નામેન્ટ અનિશ્ચિતકાળ માટે ટાળવામાં આવી હતી. પહેલાં આ ટૂર્નામેન્ટ 13થી 18 ઓક્ટોબર સુધી ઓડેન્સમાં રમાવાની હતી.

નેશનલ કેમ્પને છોડીને લંડન જવા પર થયો હતો વિવાદ

સિંધુ હૈદરાબાદમાં ચાલી રહેલા નેશનલ કેમ્પને છોડીને લંડન જતી રહી હતી, જે બાદ અલગ અલગ પ્રકારનાં નિવેદનો સામે આવ્યાં હતાં. તેમના પિતાનો દાવો હતો કે હૈદરાબાદમાં સિંધુ યોગ્ય રીતે ટ્રેનિંગ નથી લઈ શકતી. નેશનલ કોચ પુલેલા ગોપીચંદને આ અંગે કોઈ જ જાણકારી ન હતી. કેટલાક મીડિયા રિપોટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સિંધુ કોઈ પારિવારિક વિવાદના કારણે લંડન ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here