- એક ડોમમાં રિપોર્ટ પોઝિટિવ આવે તો તરત જ બીજા ડોમમાં જઈ ટેસ્ટ કરાવતા, કેટલાક બે-બે દિવસે કરાવતા હતા
- ટેસ્ટ પછી કરાતી નિશાની 15થી 20 દિવસ સુધી ચાલશે
- છાશવારે ટેસ્ટ માટે આવનારા લોકોની પોલ પકડાઈ જશે
- વિનામૂલ્યે મળતી આ સેવાનો દુરુપયોગ થતાં તાજેતરમાં ટેસ્ટિંગ માટેની કિટ પણ ખૂટી પડી હતી
કોરોનાના ટેસ્ટિંગ માટે શહેરભરમાં ઠેર ઠેર ઊભા કરવામાં આવેલા ડોમમાં ટેસ્ટિંગ પછી હવે લોકોની ટચલી આંગળીએ 15 દિવસ સુધી ભૂંસાય નહીં તેવી સહીથી નિશાની કરવામાં આવે છે. સંખ્યાબંધ લોકો એક ડોમમાં ટેસ્ટ કરાવ્યા પછી જો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો બીજા ડોમમાં તરત ટેસ્ટ કરાવવા પહોંચી જતા હતા. કેટલાક તો અકારણે પણ એકથી વધુ ડોમમાં ટેસ્ટ કરાવતા હતા તો કેટલાક દર બે-ત્રણ દિવસે ટેસ્ટ કરાવી જતા હતા. આને કારણે તાજેતરમાં કોરોનાના ટેસ્ટિંગ માટેની કિટ પણ ખૂટી ગઈ હતી. વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગની આ સેવાનો દુરુપયોગ રોકવા અંતે કોર્પોરેશને આખરે સહીથી નિશાનીનો નિર્ણય કરવો પડ્યો છે. ચૂંટણીમાં મતદાન સમયે જે સહીથી નિશાની કરવામાં આવે છે તેનો જ ઉપયોગ અહીં પણ કરાયો છે.
રોડ પર ટેસ્ટ શરૂ કરનારું અમદાવાદ દેશમાં પ્રથમ
અમદાવાદમાં છેલ્લા બે મહિનાથી શહેરના 125 જંકશનો પર કોરોનાના ટેસ્ટ માટેના ડોમ ઊભા કરવામાં આવ્યા છે. દેશનું આ પ્રથમ શહેર છે જ્યાં આ પ્રકારે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અન્યથા દરેક મોટા શહેરમાં માત્ર હોસ્પિટલો અથવા કોર્પોરેશનના હેલ્થ સેન્ટરોમાં અથવા ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ચેપ છે કે નહીં તેનું ટેસ્ટિંગ થાય છે.
દરેક ડોમમાં રોજના સરેરાશ 60 ટેસ્ટ
શહેરમાં શરૂઆતમાં 125 કિઓસ્ક ઊભા કરાયા હતા જો કે હવે 60 કરાયા છે. પ્રત્યેક ડોમમાં રોજના સરેરાશ 60 ટેસ્ટ થાય છે. આમાંથી 2થી4 લોકો પોઝિટિવ આવે છે. જે ડોમમાં ગણ્યાગાંઠ્યા ટેસ્ટ થતા હતા તે બંધ કરાયા છે.
મલ્ટિપલ ટેસ્ટથી સમય-પૈસા વેડફાતા હતા
ડોમમાં ટેસ્ટને લોકોએ રમત બનાવી હતી. આથી સમય-પૈસા વેડફાતા હતા. સામાન્ય રીતે એકવાર ટેસ્ટ કરાવ્યા પછી 15થી 20 દિવસનું અંતર હોવું જોઈએ પણ લોકો 2-3 કલાકમાં જ અથવા દર બીજા દિવસે ટેસ્ટ કરાવતા હતા.