સિટીબસમાં પાસ લેનાર તમામને 50% ડિસ્કાઉન્ટ, દિવાળી બાદ અમલ

0
70
  • મનપા એક માસ, ત્રણ માસ, છ માસ અને એક વર્ષના પાસ ઇસ્યૂ કરશે : શહેરીજનો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વળે તે માટે નિર્ણય
  • અત્યારે વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝન્સને જ 50 ટકા વળતર મળે છે

સિટીબસ અને બીઆરટીએસ બસ સેવામાં અત્યાર સુધી વિદ્યાર્થીઓ અને વિકલાંગ હોય તેમને જ ડિસ્કાઉન્ટ પાસ આપવામાં આવતા હતા, પરંતુ આગામી દિવસોમાં તમામ મુસાફરોને ડિસ્કાઉન્ટ પાસ આપવામાં આવશે. આ માટે મનપા એક માસ, ત્રણ માસ, છ માસ અને વાર્ષિક પાસ યોજના જાહેર કરશે. આગામી એક પખવાડિયામાં પાસ યોજનાની જાહેરાત કરવામાં આવશે. પાસ ખરીદી કરનાર મુસાફરને સિટીબસ અને બીઆરટીએસ બસ બન્નેમાં મુસાફરીનો લાભ મળશે. રાજકોટ મહાનગરપાલિકાની રાજપથ લિ. કંપની સિટીબસ અને બીઆરટીએસ બસનું સંચાલન કરે છે.

જેમાં લોકડાઉન પહેલા દૈનિક 60 હજારથી વધુ મુસાફરો અપડાઉન કરતા હતા. હાલ કુલ 100માંથી 75 બસ દોડાવવામાં આવી રહી છે અને તેમાં દૈનિક અંદાજે 20 હજાર આસપાસ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. ક્રમશ આ તમામ બસ બંધ થશે અને તેના સ્થાને ઇલેક્ટ્રિક બસ સ્થાન લેશે. રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનો વધુ માસ ટ્રાન્સપોર્ટેશન તરફ વળે તે માટે દરરોજ સિટીબસ અને બીઆરટીએસ બસ સેવાનો ઉપયોગ કરે છે તેમને ડિસ્કાઉન્ટ પાસ આપવાનું આયોજન કરી રહ્યું છે. જેમાં એક માસ, ત્રણ માસ, છ માસ અને એક વર્ષના પાસ ઇસ્યૂ કરવામાં આવશે. આ પાસની રકમ કેટલી રાખવી અને કેટલા ટકા વળતર આપવું તે આગામી 10થી 15 દિવસમાં ફાઇનલ કરવામાં આવશે.

40 હજાર લોકોને થશે ફાયદો :- પાસ મેળવવા કોરોના સંક્રમણને ધ્યાને લઈ ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે

આ રીતે સમજો યોજના
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટીબસમાં હાલ ઓછામાં ઓછી રૂ. 5 ટિકિટ દર છે, જ્યારે સૌથી લાંબા રૂટની ટિકિટનો દર રૂ.20 છે જ્યારે બીઆરટીએસમાં રૂ.4 અને સૌથી વધુ રૂ.15 ટિકિટ દર છે. હવે જ્યારે કોઇ પણ મુસાફર આ ડિસ્કાઉન્ટ યોજના માટે એક માસ, ત્રણ માસ, છ માસ અને એક વર્ષનો ડિસ્કાઉન્ટ પાસ મેળવે તો જે રૂટની જેટલી રકમ થતી હોય તેના 50 ટકા સુધી વળતર આપવામાં આવશે. આ માટે સ્લેબ હવે જાહેર થશે.

આ રીતે પાસ નીકળશે
રાજકોટ મહાનગરપાલિકાએ હાલ વિદ્યાર્થીઓને પાસ આપવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. જેમાં ડિસ્કાઉન્ટ ફોર્મ મનપાની કચેરી અથવા સાઇટ પરથી ડાઉનલોડ કરવાનું હોય છે અને બાદમાં રહેણાક અને જે સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરે છે તેનો આધાર જોડી જમા કરવાથી પાસ મળે છે. નવી પાસ સિસ્ટમમાં ઓનલાઇન પેમેન્ટ કરી શકાશે તેમજ ઓનલાઇન અરજી પણ કરી શકાશે.

2021માં એ.સી. બસ
મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારે 150 ઇલેક્ટ્રિક બસ આપવાની જાહેરાત કરી છે. તેમાંથી 50 બસ 2021માં રાજકોટ શહેરમાં દોડતી જઇ જશે. જાન્યુઆરી માસના અંત અથવા ફેબ્રુઆરીમાં ઇલેક્ટ્રિક બસનું આગમન રાજકોટ શહેરમાં થશે. ઇલેક્ટ્રિક બસ એ.સી. હશે અને સાથે સાથે મનપા તમામ મુસાફરોને ડિસ્કાઉન્ટ પણ આપશે. જેના પગલે રાજકોટમાં લોકોને સસ્તી મુસાફરી અને તે પણ એસી બસમાં મળશે.

સાદા પાસ બનાવાશે
સ્માર્ટ સિટી હેઠળ રાજકોટ મનપા સ્માર્ટ કાર્ડ પ્રોજેક્ટ જાહેર કરાયો છે, પરંતુ સ્માર્ટ કાર્ડ યોજના હજુ સુધી સાકાર થઇ નથી. સ્માર્ટ કાર્ડમાં મનપાની તમામ સેવા માટે રૂપિયા ચૂકવી શકાશે તે પ્રકારના કાર્ડ તૈયાર કરવામાં આવશે. સ્માર્ટ કાર્ડ તૈયાર થયા ન હોવાથી મનપાએ સિટીબસ અને બીઆરટીએસ સેવા માટે હાલ સાદા પાસ બનાવવાનું નક્કી કર્યું છે. જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ પાસની ખરીદી ઓનલાઇન પણ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here