News Updates
INTERNATIONAL

ચીનમાં ફેલાઈ રહી છે રહસ્યમયી બીમારી:કોરોના જેવું સંક્રમણ, શું ભારતમાં પણ ફેલાશે? સ્વિડિશ ડોક્ટર પાસેથી જાણો જવાબ

Spread the love

ઓગસ્ટ 2023, ચીને કોરોના લોકડાઉનનાં 3 વર્ષ બાદ તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. એક મહિના પછી એટલે કે ઓક્ટોબરમાં જ અહીં એક રહસ્યમય બીમારી ફેલાવા લાગી છે. ભારે તાવ સાથે ફેફસાં ફૂલાવી દેતી આ બીમારીને કારણે દરરોજ 7000 બાળકો હોસ્પિટલે પહોંચી રહ્યાં છે.

નિષ્ણાતો કહે છે કે કોરોનાની જેમ આ રોગ પણ ચેપી છે. તે ચીનના એક શહેરથી બીજા શહેરમાં ફેલાઈ રહ્યો છે. WHO જવાબ માંગી રહ્યું છે, પરંતુ ચીન મૌન છે.

સ્વિડનના ચેપી રોગ નિષ્ણાત ડો.રામ શંકર ઉપાધ્યાયે 10 સવાલના જવાબમાં જણાવ્યું કે આ બીમારી શું છે અને તેનાથી ભારત પર કેટલું જોખમ છે?

સવાલ 1: ચીનમાં ફેલાતી શ્વાસની બીમારી શું છે? શું આ રોગનું કોઈ નામ છે?
જવાબઃ
 કોરોનાની જેમ ચીન પણ આ રોગ અંગે ડેટા જાહેર કરી રહ્યું નથી. WHOએ ચીનની સરકારને ઘણી વખત આ બીમારી વિશે પૂછ્યું છે. ચીનની સરકાર આ રોગને રહસ્યમય ન્યુમોનિયા કહી રહી છે.

કેટલાક લોકો તેને વૉકિંગ ન્યુમોનિયા પણ કહી રહ્યા છે. એક રીતે ચીનમાં ફેલાતી બીમારીને ન્યુમોનિયા કહેવામાં આવી રહી છે. આ રોગ બેક્ટેરિયલ ચેપ દ્વારા ફેલાય છે. આ બેક્ટેરિયાને માયકો પ્લાઝ્મા ન્યુમોનિયા બેક્ટેરિયા કહેવામાં આવે છે.

સવાલ 2: ન્યુમોનિયા ક્યારે અને કયા કારણોસર ફેલાય છે?

જવાબ: 5 વર્ષ સુધીનાં બાળકોને સામાન્ય રીતે શિયાળા દરમિયાન માયકો પ્લાઝ્મા ન્યુમોનિયા બેક્ટેરિયાનો ચેપ લાગે છે. શિયાળામાં ન્યુમોનિયા ફેલાવાનાં બે કારણો છે…

1. ઠંડીના સમયમાં વાતાવરણ અને શરીરનું તાપમાન ઘટે છે. 8 ડિગ્રીથી 15 ડિગ્રી સુધીનું તાપમાન આ બેક્ટેરિયા માટે અનુકૂળ છે.

2. શિયાળામાં પ્રદૂષણ ખૂબ વધારે હોય છે. આ કારણે આ બેક્ટેરિયા શિયાળામાં લોકોને સરળતાથી પોતાની ઝપેટમાં લે છે.

સવાલ 3: શું ચીનમાં ફેલાતી બીમારી સામાન્ય ન્યુમોનિયા જેવી જ છે?

જવાબ: ચીનની હેલ્થ ઓથોરિટીનું કહેવું છે કે આ એક સામાન્ય ન્યુમોનિયા રોગ છે. નવી બીમારી અથવા અન્ય બેક્ટેરિયા કે વાઇરસનું સંક્રમણ નથી. જો કે, 15 નવેમ્બર, 2023ના રોજ, પ્રો-મેડ નામના સર્વેલન્સ પ્લેટફોર્મે ચીનમાં ન્યુમોનિયા અંગે દુુનિયાભરમાં એલર્ટ જાહેર કર્યું છે.

આ જ સંસ્થાએ 2019માં પણ કોરોનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. આ સંગઠનનું કહેવું છે કે બેઈજિંગની હોસ્પિટલમાં એક દિવસમાં 13 હજાર બાળકોને દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પિટલમાં દરરોજ 7 હજારથી વધુ બાળકો આવી રહ્યાં છે. આ બધું 2019ની કોરોના જેવી સ્થિતિની યાદ અપાવે છે. આ બધું જોતાં એવું નથી લાગતું કે આ માત્ર સામાન્ય ન્યુમોનિયા છે.

સવાલ 4: ચીનમાં આ બીમારી સામાન્ય ન્યુમોનિયા નથી, તો તે શું છે અને તેનો કોરોના સાથે શું સંબંધ છે?

જવાબ: જ્યારે કોઈને ન્યુમોનિયા થાય છે ત્યારે કફ પણ થાય છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ચીનના રહસ્યમય ન્યુમોનિયામાં બાળકોમાં કફ બની રહ્યો નથી. તેની છાતીના એક્સ-રેમાં તેના ફેફસાં પર નોડ્યુલ્સ એટલે કે એક પ્રકારના ગોળ ચક્તાઓ દેખાય છે. આને પલ્મોનરી નોડ્યુલ કહેવામાં આવે છે. નોડ્યુલનો પ્રકાર મોટાભાગે બેક્ટેરિયલ ચેપમાં રચાય છે, વાઇરલ ઈનફેક્શનમાં આવું થતું નથી.

આ બીમારીથી પીડિત બાળકોને જોતાં એવું લાગે છે કે તેમને માયકો પ્લાઝ્મા ન્યુમોનિયાના કેસ જ નહીં પરંતુ કેટલાક વાઇરલ ઇન્ફેક્શન પણ છે. તેઓ એકસાથે બેક્ટેરિયા અને વાઇરસ બંનેથી સંક્રમિત છે. તેને કો-ઇન્ફેક્શન અથવા ક્રોસ ઇન્ફેક્શન કહેવામાં આવે છે.

જો આવું હોય તો તે ખૂબ જ ગંભીર છે કારણ કે આવા ઘણા કિસ્સાઓમાં દવાઓ પણ કામ કરતી નથી. જો બાળકોમાં માત્ર માયકો પ્લાઝ્મા ન્યુમોનિયા હોય, તો તેના માટે દવાઓ છે. જો ચીનમાં બાળકો પર દવાઓનું કામ થયું હોત તો પરિસ્થિતિ કાબૂમાં હોત. ચીને પણ આ વાત સ્વીકારી લીધી છે. ચીને રવિવારે કહ્યું કે આ એક અવી બીમારી છે જે ઘણા પેથોજેન્સ દ્વારા ફેલાય છે.

સવાલ 5: ચીનમાં આ રહસ્યમય બીમારી કેમ ઝડપથી ફેલાઈ રહી છે?

જવાબ: ચીનમાં બગડતી પરિસ્થિતિનું એક કારણ ત્યાં કોરોના સમયગાળા દરમિયાન લાગુ કરવામાં આવેલી ઝીરો કોવિડ પોલિસી પણ હોઈ શકે છે. તે સમયે લાદવામાં આવેલી સખ્તાઈને કારણે ઘણાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થઈ શક્યો ન હતો. તેઓ પોતપોતાનાં ઘરોમાં જ કેદ રહ્યાં.

હવે જ્યારે તેઓ બહાર જઈ રહ્યાં છે, ત્યારે તેઓ વાઇરસ અને બેક્ટેરિયાની ઝપેટમાં આવી રહ્યાં છે. તેમના શરીરમાં તેમની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ નથી. જેના કારણે અહીં બાળકો ઝડપથી બીમાર પડી રહ્યાં છે.

સવાલ 6: શું આ રોગ ફક્ત બાળકોમાં જ ફેલાય છે અથવા તે કોઈને પણ થઈ શકે છે?

જવાબ: બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેથી જ આ રોગ બાળકોને અસર કરી રહ્યો છે. આનો અર્થ એ નથી કે આ એક એવી બીમારી છે જે ફક્ત બાળકોમાં જ ફેલાય છે. જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, આ રોગ તેને તેનો શિકાર બનાવશે.

સવાલ 7: ચીનમાં ફેલાતા આ બીમારીનાં લક્ષણો શું છે?

જવાબ: જ્યારે આ રોગનો ચેપ લાગે છે, ત્યારે આ લક્ષણો મોટે ભાગે જોવા મળે છે…

  • ઉધરસ
  • દુખાવો અથવા ગળામાં દુખાવો
  • તાવ
  • ફેફસામાં સોજો
  • શ્વાસનળીમાં સોજો

સવાલ 8: શું ચીનમાં આ રોગ ચેપી છે અને શું તે એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે?

જવાબ: હા, આ રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ રોગથી પીડિત દર્દીના સંપર્કમાં આવવાથી આ રોગ ફેલાય છે. આ જ કારણ છે કે આ રોગ ફેલાવાની શક્યતા વધી રહી છે.

સવાલ 9: શું ચીનમાં ફેલાતો આ રોગ ભારત કે અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે?

જવાબ: જો આપણે ચીનનું ઉદાહરણ લઈએ તો આ રોગ દેશના ઘણા ભાગોમાં ફેલાયો છે. ખાસ કરીને ઉત્તરીય વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળી રહી છે.

ચીનના પાડોશી દેશ વિયેતનામમાંથી પણ કેટલાક કેસ નોંધાયા છે. તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રોગ ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ બીમારી અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

તે ભારતમાં પણ ફેલાઈ શકે છે. ભારતે આ અંગે સતર્ક રહેવાની જરૂર છે.

સવાલ 10: શું કોઈ રહસ્યમય રોગ કોરોના જેવા મૃત્યુનું કારણ બની શકે છે?

જવાબ: કોરોના એક વાઇરલ ઈન્ફેક્શન હતો, જ્યારે આ બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. જો કે, કોરોના થયા પછી પણ ન્યુમોનિયા થતો હતો. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેથી ઘણા દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડતા હતા.

બેક્ટેરિયલ ઈન્ફેક્શનને રોકવા માટે ઘણી એન્ટિબાયોટિક્સ છે. તેનો ઉપયોગ કરીને તેની અસર ઘટાડી શકાય છે. જો કે, ચીનની સ્થિતિને જોતા એવું લાગે છે કે આ માત્ર બેક્ટેરિયલ ઈન્ફેક્શન નથી, તે કંઈક બીજું પણ હોઈ શકે છે. ચીન આ અંગેના ડેટા શેર કરે પછી જ ખબર પડશે.

જો તે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોય તો એન્ટિબાયોટિક્સથી દર્દીનું મૃત્યુને અટકાવી શકાય છે.


Spread the love

Related posts

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ વચ્ચે હવાઈ ભાડામાં 25 ટકાનો વધારો !

Team News Updates

આયોવાની કેરોલ કાઉન્ટીમાં 150 થી વધુ પશુઓને ગેરકાયદે કેદ કરવામાં આવ્યા, એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા કરાયો બચાવ

Team News Updates

12 વર્ષ પછી FBI ડાયરેક્ટર આજે ભારત આવશે:આ અમેરિકન એજન્સીએ પન્નુની હત્યાના કાવતરાંના આરોપ લગાવ્યા હતા, જાણો ભારત આવવાનો હેતુ

Team News Updates