રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટના અનેક તાલુકાઓમાં કરા સાથે વરસાદ પજ્યો હતો. કરા સાથે ભારે વરસાદ પડતા રોડ રસ્તાઓ પર બરફની સફેદ ચાદર છવાઈ હતી. હાલ રાજકોટના અનેક જિલ્લાઓમાં મનાલી જેવો માહોલ સર્જાયો છે.
રાજકોટ: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે કમોસમી વરસાદ પડ્યો છે. હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.તેવામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે કરા સાથે વરસાદ પડતા સ્થાનિકો મુંઝાયા હતા. કરાનો વરસાદ થતા શહેર સહિત અનેક ગામોમાં મનાલી જેવો માહોલ સર્જાયો હતો.
રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.રાજકોટ પડધરીના ન્યારા ગામમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો.કરા પડવાના કારણે ન્યારા ગામમાં ખેડૂતોએ કરેલા ઘાણા સહિતના ઉભા પાકમાં નુકસાની જોવા મળી રહી છે.હાલ ન્યારા ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
રાજકોટના વેપારી ઇબ્રાહિમ સોનીએ જણાવ્યું હતું કે,વહેલી સવારથી પડેતા કમોસમી વરસાદ અને કરાને કારણે રાજકોટના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે સાથે અગામી 3 દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.જો સતત વરસાદ ચાલુ રહેશે તો, સામાનની કિંમતોમાં વધારો થઈ શકે છે. જેના કારણે લોકોને મોંધવારીનો માર સહન કરવો પડશે.
કમોસમી વરસાદને લઈ , લેબ ટેક્નિશિયન,પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે,શિયાળાની ઋતુ વચ્ચે પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યમાં અનેક મચ્છરજન્ય રોગ ફાટી નીકળવાની સંભાવના સર્જાઈ છે.
આવી ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને હાથીપગા જેવા રોગોમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, વરસાદી માહોલને લઈ મનપા દ્વારા લોકોને મચ્છર જન્ય રોગથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. સાથે સાથે મનપા દ્વારા મચ્છરોના ઉપદ્રવને અટકાવવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે.