અમદાવાદના સરખેજ વિસ્તારમાં વિશાલા સર્કલ પાસે આવેલી બરફની ફેક્ટરીની બાજુમાં રમકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની 10થી વધુ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. ગોડાઉનની આસપાસ જેટલી પણ અન્ય દુકાનો કે ગોડાઉન આવેલાં છે તેને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. રમકડાનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. ચીફ ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા.
બેટરીથી ચાલતાં પણ કેટલાંક રમકડાઓ હતાં
મળતી માહિતી મુજબ અમદાવાદના સરખેજ વિસ્તારમાં બરફની ફેક્ટરી પાસે આવેલા એક રમકડાના ગોડાઉનમાં બપોરે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ઓફિસર સહિત બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. ગોડાઉનમાં વિવિધ પ્રકારનાં રમકડાઓ અને સાધનો પડ્યાં હતાં. જેમાં બેટરીથી ચાલતાં પણ કેટલાંક રમકડાઓ હતાં. તેમાં આગના કારણે એક-બે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેથી ત્રણ જેટલા ફાયર કર્મચારીઓ ઉપર બેટરીનું પાણી ઊડ્યું હતું જેથી તેઓ દાઝી ગયા હતા.
બે વ્યક્તિને રેસ્ક્યૂ કરાયા
ત્રણેય ફાયર કર્મીને તાત્કાલિક સારવાર અર્થે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ગોડાઉનમાં આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે આસપાસ સુધી ન ફેલાય તેને ધ્યાનમાં રાખી અને બાજુમાં આવેલ અલગ અલગ દુકાનો અને ગોડાઉનને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. બે જેટલા લોકોને સીડી વડે ધાબા ઉપરથી નીચે રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને હાલ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આગ લાગતા પાંચ લોકો ધાબે ચડી ગયા હતા
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રમકડાના ગોડાઉનમાં કામ કરતાં પાંચ જેટલા લોકો જેઓ આગ લાગતા ધાબા ઉપર ચડી ગયા હતા. તેઓને ધાબા ઉપરથી સીડી વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આગ હાલ કાબૂમાં આવી ગઈ છે. ગોડાઉનમાં જે પણ માલસામાન બળીને ખાક થયો છે તેમાં કૂલિંગ કરવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. ફાયરબ્રિગેડના જવાનો સિવાય અન્ય કોઈ વ્યક્તિઓને ઈજા થઈ નથી.