રાજકોટ માકેર્ટીંગ યાર્ડમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા નિર્દોષ શ્રમજીવીની હત્યા

0
675

મોલડીના પાંચ શખ્સોએ છરીથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું: નાસ્તાના પૈસા બાબતે થયેલી બોલાચાલીના કારણે મોડી રાતે દુકાનમાં થઇ તોડફોડ

શહેરના જુના માકેર્ટીંગ યાર્ડમાં માલ સામાન ખાલી કરવા આવેલા વાહન ચાલક અને નાસ્તાની દુકાનદાર વચ્ચે નાસ્તાના પૈસા ચુકવવાના પ્રશ્ર્ને થયેલી બોલાચાલી દરમિયાન તોડફોડ કરતા શખ્સોને અટકાવી વચ્ચે પડી મામલો થાળે પાડવા ગયેલા ભરવાડ યુવાન પર પાંચ શખ્સો છરી સાથે તુટી પડતા ગંભીર રીતે ઘવાયેલા નિર્દોષ ભરવાડ યુવાનની હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માકેર્ટંગ યાર્ડ પાછળ જશરાજનગર શેરી નંબર ૩માં રહેતા દિનેશભાઇ હીરાભાઇ ફાંગલીયા નામના ૩૬ વર્ષના ભરવાડ યુવાન પર મોલડી ગામના રવિ જેઠાભાઇ ખાચર સહિત પાંચ શખ્સોએ છરીથી હુમલો કરી હત્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

માકેર્ટીંગ યાર્ડમાં માલ સામાન ખાલી કરવા આવેલા રવિ ખાચર અને તેના સાગરીતો યાર્ડમાં આવેલી ચામુંડા હોટલે નાસ્તો કરવા ગયા બાદ નાસ્તાના પૈસા ચુકવવા બાબતે ચામુંડા હોટલના માલિક સાથે ઝઘડો થયો હતો. રવિ ખાચર અને તેની સાથે રહેલા ચાર અજાણ્યા શખ્સો દુકાનમાં તોડફોડ કરી દુકાનદારને માર મારતા હતા.દુકાનદાર પર હુમલો કરી તોડફોડ કરતા શખ્સોને સમજાવવા વચ્ચે પડેલા દિનેશ હીરાભાઇ ફાંગલીયા પર પાંચેય શખ્સોએ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા દિનેશભાઇ ફાંગલીયાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.માકેર્ટીંગ યાર્ડમાં મોડીરાતે થયેલી હત્યા અને તોડફોડની ઘટનાની બી ડિવિઝન પોલીસને જાણ થતા પી.આઇ. મનોજ આસુરા, એએસઆઇ વિરમભાઇ ધગલ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાંચેય શખ્સો સામે ગુનો ધરપકડ કરવા ચક્રો ગમિતાન કર્યા છે.

અહેવાલ :- દિલીપ પટેલ રાજકોટ