મનથી માણશું મેળો, વજુભાઈ વાળાની નજરે / રાજકોટનો લોકમેળો મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઇ રહેવાનું સ્થળ પણ બન્યો છે

0
331

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ જ મોટો ઉત્સવ એટલે રાજકોટનો લોકમેળો. આ લોકમેળાને હું નાનપણથી માણતો આવ્યો છું. જ્યારે મેયર બન્યો ત્યારે આ મેળાનું લોકાર્પણ મેં કર્યુ અને ત્યાર બાદ કેટલી વખત આ મેળાને ખુલ્લો મૂક્યો તે મને પણ યાદ નથી. પરંતુ જ્યારે મેળામાં આવુ ત્યારે હું લોકમેળામય બની જતો અને તેનો આનંદ લેવાનુ ચૂકતો નહી. મેળામાં સૌ પોતાની ગામઠી અદાઓમાં પોત પોતાના વિશિષ્ટ પહેરવેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો ઉમટી પડે છે. મેળો એટલે મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઇ રહેવાનું સ્થળ પણ બન્યો છે. જેને આખંુ વર્ષ ઘેર આનંદ ન મળ્યો હોય તે લોકો ને પાંચ દિવસ અહી આનંદ મળશે તેથી આનંદ મેળો નામ રાખ્યું હતું. એક જ સ્થળે પાંચ લાખથી વધુ લોકો એકત્ર થાય છતા પોલીસને કોઇ દિવસ બળપ્રયોગ કરવાની જરૂર પડી નથી તે સાંસ્કૃતિક નગરની આગવી ઓળ છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો હંમેશા આકર્ષણ રહ્યા છે
હું હંમેશા આનંદમાં રહેવાનું ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખ્યો છું. જે લોકો આનંદ નથી મેળવી શકતા તેઓએ રાજકોટના જન્માષ્ટમીના મેળામાં અચૂક આવવું જોઇએ. કારણે અહીં જે આનંદ અને મોજ મળે છે તે ભાગ્યેજ કોઇ બીજા સ્થળે મળે. લોકમેળામાં સવારે 7 વાગ્યાથી રાત્રીના 1 વાગ્યા સુધી માનવ મહેરામણ સતત જોવા મળતું હતું. તેથી જુદા જુદા દિવસે અલગ અલગ નામાંકીત કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમો, હસાયરો, રાસઉત્સવ, નાટકો જેવા આયોજન પણ દરરોજ રાત્રે રજુ કરવામાં આવતા જે લોકોમાં મોટુ આકર્ષણ હતુ.

મેળામાં જઉં તો અચૂક ‘ચગડોળ’માં બેસતો અને પાણીવાળા ફુગ્ગા મિત્રો ઉપર ફેંકતો
લોકમેળો એટલે આનંદ અને ઉત્સવનું સ્થળ. હું પણ આનંદ અને ઉત્સવનો અનેક વર્ષોથી સાક્ષી બન્યો છું. લોકમેળો નટખટ નંદ માખણ ચોરના નાદ સાથે જ્યારે ખુલ્લો મુકાય ત્યારે હું અચૂક ‘ચગડોળ’માં જઇને બેસતો અને પાણીવાળા ફુગ્ગા લઇ ઉપરથી નીચે બેઠા હોય તે મિત્રો ઉપર ફેંકતો, તેમજ મેળામાં પ્લાસ્ટીક ડીસની રમાતી રમતો રમી ઇનામો પણ મેળવતો, નીશાન તાકવાનો (એરગનથી ફુગ્ગા ફોડવાનો) પણ અનેક વખત આનંદ લીધો છે. આવા કેટલાય આનંદો એક આના બે આનામાં મેળવ્યા છે.

લોકમેળાના સ્ટેજ પર ‘નંદ મહોત્સવ’ના આયોજનનું સૂચન પણ મેં જ કરેલું
રાજકોટનો લોકમેળો નાના-મોટા, ગરીબ, અમીર સૌ સાથે મળી રાંધણ છઠ્ઠથી દશમ સુધી મેળાની મુલાકાત અવશ્ય લે છે. લોકોનુ હૈયે હૈયુ દળાઇ તેવી જનમેદની એ આ પાંચ દિવસ જોવા મળે છે અને લોકો જીવનની આ પળો બાળકો, વૃધ્ધો, કિશોરો સૌની જિંદગીની અમૂલ્ય યાદ બની ને રહે જાય છે. જન્માષ્ટમીના દિવસે લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો આવે છે. આ દિવસે લોકમેળાના સ્ટેજ ઉપર પણ નંદ મહોત્સવની ઝાંખી જોવા મળે તેવુ સૂચન પણ મેં જ કર્યુંહતું અને તેનો લહાવો લાખો લોકોએ લીધો હતો.

અમે અધિકારીને પણ કહેતા… મેળાની આવક રાજકોટમાં જ વપરાય
રાજકોટના લોકમેળામાં પાંચ દિવસમાં લાખો લોકો આવતા પરંતુ તેમને એક પણ રૂપિયાનો એન્ટ્રી ખર્ચ ચૂકવવાના થતી નથી છતા રાજકોટના લોકમેળાથી જિલ્લા વહીવટી તંત્રને આવક પણ થય છે. આ આવક રાજકોટના લોકો માટે સાંસ્કૃતિક કાર્યમાં ઉપયોગ થાય તેવી જિલ્લા આયોજન સમિતિના અધિકારીઓને ટકોર પણ કરતા અને તેમુજ આવકનો ઉપયોગ રાજકોટમાં અલગ અલગ કામ પણ થયા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રે ત્યારબાદ જામનગર રોડ ઉપર ઈશ્વરિયા પાર્કનું લોકમેળા સમિતિના ફંડમાંથી ડેવલોપમેન્ટ કર્યું છે અને ત્યાં આજે રાજકોટના નગરજનો બોટિંગ, ગોલ્ફ આનંદ લઈ રહ્યા છે તેમજ કુદરતી સૌંદર્યનો લહાવો મળવાનું સ્થળ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here