રાજકોટ : કુખ્યાત ભરત કુગશીયાની દુકાનમાં ત્રણેક બુકાનીધારીઓએ લગાવી આગ, ઘટના CCTVમાં કેદ

0
319

રાજકોટઃ ગત મધરાત્રે કુખ્યાત ભરત કુગશીયાની સાધુવાસવાણીકુંજ રોડ પર આવેલી કેબલની દુકાનમાં અજાણ્યા શખસોએ પેટ્રોલ છાંટીને આગ લગાડ્યાનો મામલો નોંધાયો છે. આગની જ્વાળાઓ કોમ્પલેક્સમાં ચાર માળ સુધી ફેલાતા ફ્લેટધારકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ અંગે ફરાર ભરતના ભાઇએ નામચીન ગોલીના ભાણેજ જૂથ સામે આશંકા વ્યક્ત કરી છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પોપટપરા-5 માં રહેતા ભાવેશ રઘુભાઇ કુગશીયાએ જણાવ્યું હતું કે, સાધુવાસવાણી કુંજ રોડ પર ઇસ્કોન કોમ્પલેક્સમાંના ગ્રાઉન્ડ ફલોર પર તેમની શ્રીરામ એન્ટરપ્રાઇઝ, નામે કેબલ નેટવર્કની ઓફિસ છે. ગઈકાલે મધરાત્રે ઓફિસમાં આગ લાગ્યાની જાણ થઇ હતી. આગમાં શટરની બહાર પડેલા કેબલના રોલ અને સાઇન બોર્ડ સળગી ગયા હતા તેમજ ઓફીસની અંદર રાખેલ ટ્રાન્સમીટર સહિતની વસ્તુઓ સળગી જતા અંદાજીત 70 હજારની નુકશાની થઇ હોવાનું પણ તેણે કહ્યું હતું.

સવારે દુકાનની બહાર વીજ પોલ પરનાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા મધરાતે 12:45 થી 1:00 વાગ્યાના અરસામાં ત્રણ બુકાનીધારીએ પેટ્રોલ છાંટીને આગ લગાવી હોવાનું સ્પષ્ટ થયું છે. બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. દરમિયાન ભાવેશ કુગશીયાએ આગ લગાડવા પાછળ કુખ્યાત ગોલીના ભાણેજ કાસમ કડીની ગેંગ ઉપર શંકા વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે,   ત્રણ દિવસ પહેલાં કાસમ કડી સહિત 10 શખ્સો તેના ઘરે ધસી આવ્યા હતા. અને ભાઇ ભરત કુગશીયાને મારી નાખવો છે તેમ કહી ઘરમાં તોડફોડ કરી લૂંટ પણ ચલાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભરત કુગશીયા પણ અનેક ગંભીર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અગાઉ તેનો રેલનગરમાં રામેશ્વર પાર્કમાં રહેતા ફાયનાન્સ કંપનીના સેલ્સ મેનેજર બ્રીજરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાના પિતા સાથે ઝગડો થયો હતો. જેનો ખાર રાખીને ચાર દિવસ પહેલાં ભરતે ફોર્ચ્યુનરમાં બેઠેલા બ્રીજરાજસિંહ ને ગાળો ભાંડી કારમાં તોડફોડ પણ કરી હતી. બાદમાં કાસમ કડી ગેંગના સભ્યોએ ભરતના ઘરે જઇને આતંક મચાવ્યો હતો.

અહેવાલ :-દિલીપ પટેલ ,રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here