ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 08 જાન્યુઆરી 2023 ના રોજ વર્ગ-1 અને 2 અધિકારી લેવલ તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના કુલ 102 પદો પર ભરતી પ્રક્રિયા માટેની પ્રિલીમનરી પરીક્ષા લેવામાં આવી હતી. જેની પ્રોવિઝનલ આન્સર કી જીપીએસસીએ 11 જાન્યુઆરીના રોજ બહાર પાડી હતી. જ્યારે 10 એપ્રિલના રોજ ફાઈનલ આન્સર કી બહાર પડાઈ હતી.
આ બંને આન્સર કી માં વિસંગતતાના કારણે પરીક્ષાર્થીઓને અન્યાય થતો હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ હરિકૃષ્ણ બારોટ દ્વારા દાખલ થઈ છે. નેગેટીવ માર્કિંગના કારણે વિદ્યાર્થીઓના ખોટી રીતે માર્ક કપાયા હોવાની પણ ફરિયાદ હાઇકોર્ટમા કરવામાં આવી છે. ફાઇનલ આન્સર કી ના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો કોર્ટમાં દાવો કરાયો છે.
અરજદારોની પ્રાથમિક રજૂઆતો બાદ હાઇકોર્ટે અરજદાર પરીક્ષાાર્થીઓને મેઇન પરીક્ષા માટેનું ફોર્મ ભરવા અને પરીક્ષામાં બેસવા દેવા હુકમ કર્યો છે. અરજદાર પરીક્ષાર્થીઓના પરિણામને સીલ કવરમાં રાખવા પણ કોર્ટે જીપીએસસીને આદેશ કર્યો છે. આ મુદ્દે આગામી સાત જૂનના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે. જ્યારે આવતીકાલે 10 મેના રોજ અન્ય 40 અરજીઓ ઉપર સુનવણી માટે પણ હાઇકોર્ટે પરવાનગી આપી છે.
આ પરીક્ષાના ગત મહિને જાહેર કરેલ પરિણામમા 3,806 પરિક્ષાર્થીઓને લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર કરાયા હતા. પ્રિલીમ પરીક્ષાના પેપર 01 માં બે પ્રશ્નો કેન્સલ કરાયા હતા. જ્યારે પેપર 02 મા ચાર પ્રશ્નો કેન્સલ કરાયા હતા. જેના સરખા ગુણ પરિક્ષાર્થીઓને વહેંચવામાં આવ્યા હતા.