નાગપુરમાં કારની અંદર 3 બાળકોના મોત
મહારાષ્ટ્રના નાગપુરમાં રવિવારે સાંજે કારની અંદર ગૂંગળામણથી ત્રણ બાળકોના મોત થયા હતા. ત્રણેય બાળકો શનિવારે બપોરથી ગુમ હતા.
તપાસમાં પોલીસને તેમના મૃતદેહ ઘરથી પાસે એક SUV કારમાંથી મળ્યા હતા.
માતા-પિતાને અપહરણની શંકા હતી
પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ બાળકો તૌફીક ફિરોઝ ખાન (4), આલિયા ફિરોઝ ખાન (6) અને આફરીન ઇર્શાદ ખાન (6), બધા ફારૂક નગરના રહેવાસી છે, શનિવારે બપોરે રમવા માટે ઘરની બહાર ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતાં માતા-પિતાએ પોલીસનો સંપર્ક કરી અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
ઘરથી દૂર પાર્ક કરેલી કારમાંથી લાશ મળી
પચપોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ બાળકોની તપાસ શરૂ કરી હતી. ત્યારે એક કોન્સ્ટેબલે ઘરથી થોડે દૂર એક SUV પાર્ક કરેલી જોઈ. જેની અંદર ત્રણ બાળકો પડેલા મળી આવ્યા હતા. પોલીસે કારનો દરવાજો ખોલ્યો તો તમામ બાળકો મૃત હાલતમાં હતા.
કારની અંદર ગરમી અને શ્વાસ રૂંધાવાથી મોત
નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે, રમતા-રમતા બાળકોએ કારનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પછી તેઓ કારનો દરવાજો ખોલી શક્યા નહીં હોય. તેઓ ગરમી અને ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા. અધિકારીએ જણાવ્યું કે તૌફિક અને આલિયા ભાઈ-બહેન છે, જ્યારે આફરીન નજીકમાં રહેતી હતી.