કોહલીને BCCI બોર્ડ તરફથી કૉન્ટ્રેક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે
ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની કુલ સંપત્તિ 1000 કરોડને વટાવી ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયન ફોલોઅર્સ ધરાવતા કોહલીની નેટવર્થને લઈને સ્ટોક ગ્રો દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમના રિપોર્ટ અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટનની કુલ સંપત્તિ 1050 કરોડ રૂપિયાને પાર થઈ ગઈ છે, જે આ વિશ્વના તમામ ક્રિકેટ ખેલાડીઓમાં સૌથી વધુ છે.
મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલીને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વન-ડે માટે 6 લાખ રૂપિયા અને ટી-20 મેચ માટે 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. કોહલી IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમે છે અને રોયલ ચેલેન્જર્સ તેને આ માટે વાર્ષિક 15 કરોડ રૂપિયા ચૂકવે છે. 34 વર્ષીય વિરાટને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ‘A+’ (A) શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. તેને બોર્ડ તરફથી કૉન્ટ્રેક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે.
કોહલી સોશિયલ મીડિયાનો બાદશાહ છે
સોશિયલ મીડિયાની વાત કરીએ તો કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 8.9 કરોડ રૂપિયા લે છે. એ જ સમયે ટ્વિટર પર તે પોસ્ટદીઠ 2.5 કરોડ રૂપિયા લે છે. વિરાટનાં બે ઘર છે. મુંબઈમાં ઘરની કિંમત 34 કરોડ રૂપિયા છે અને ગુરુગ્રામમાં ઘરની કિંમત 80 કરોડ રૂપિયા છે. આ સિવાય તેને કારનો પણ શોખ છે. વિરાટ 31 કરોડની લક્ઝરી કારનો પણ માલિક છે.
આલીશાન બંગલો, લક્ઝરી કાર
વિરાટ કોહલી લક્ઝરી વાહનો અને આલીશાન બંગલાનો માલિક છે. કોહલીના ગુરુગ્રામમાં બે બંગલા અને મુંબઈમાં એક આલીશાન ઘર છે. વિરાટ કોહલી FC ગોવા ફૂટબોલ ક્લબનો માલિક પણ છે. તેની પાસે ટેનિસ અને રેસલિંગ ટીમ પણ છે.
બ્રાન્ડેડ ગ્લાસીસ(ચશ્માં)નો છે શોખ
વિરાટ હંમેશાં લક્ઝુરિયસ અને બ્રાન્ડેડ ગ્લાસીસ(ચશ્માં)માં જોવા મળે છે. વિરાટ ક્રિકેટના મેદાનમાં હોય કે પછી મેદાનની બહાર, તેના બ્રાન્ડેડ અને અલગ-અલગ સ્ટાઇલનાં ચશ્માં હંમેશા જોવા મળે છે. ક્રિકેટના મેદાન પર તે ઓકલે બ્રાન્ડના સનગ્લાસીસમાં જોવા મળે છે. ઓકલે વિરાટની ફેવરેટ બ્રાન્ડ છે. ઉપરાંત વિરાટ પાસે ઓકલે જેકેટ સનગ્લાસીસ, ઓકલે રાડર રેન્જ જેવી ખાસ પ્રકારનાં ચશ્માં છે, જેની કિંમત બજારમાં 10 હજારથી શરૂ થાય છે. વિરાટ પાસે રેબેન અને એમ્પોરિયા અરમાની કંપનીના પણ બ્રાન્ડેડ સનગ્લાસીસનું કલેક્શન છે.