- સરકારે ન્યાયમંદિરની પ્રતિમા ફતેસિંહ મ્યૂઝિયમમાં લઇ જવા કહ્યું છતાં ન આપી
- 3 કરોડના મૂલ્યની મૂર્તિ ખસેડવા મ્યુઝિયમ ટ્રસ્ટના ક્યુરેટર-સેક્રેટરીનો ફરી પત્ર
રાજવી પરિવારની ભેટ એવા ઐતિહાસિક ધરોહર ન્યાયમંદિરમાં 126 વર્ષથી સ્થાપિત મહારાણી ચિમણાબાઇની આરસપહાણની પ્રતિમાને સ્થળાંતરિત કરવા સરકારે આપેલી મંજૂરીનો અમલ 17 વર્ષે થયો નથી. મહારાણી ચિમણાબાઈની યાદમાં તેમની પ્રતિમા તે સમયના વિખ્યાત શિલ્પકાર ફેલિસી પાસે તૈયાર કરાવી હતી. ઇટાલિયન માર્બલની પ્રતિમાની ઊંચાઇ સાડા સાત ફૂટ છે. તેની કિંમત આર્ટ કલેક્ટરે 3 કરોડથી વધુ અંદાજી હતી.
રાજવી પરિવાર સંચાલિત ફતેસિંહરાવ મ્યૂઝિયમમાં પ્રતિમા ખસેડવા 25થી વધુ વર્ષથી સરકાર સાથે પત્ર વ્યવહાર ચાલતો હતો. જેમાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તરફથી સંગ્રહાલય ખાતાનો અભિપ્રાય લેવાતાં મ્યુઝિયમમાં ન ખસેડવાનો અભિપ્રાય મળ્યો હતો. જોકે 2006માં રાજ્ય સરકારે 5 શરતને આધીન રાજવી પરિવારના ખર્ચે પ્રતિમા સ્થળાંતરિત કરવા મંજૂરી આપી હતી. પ્રતિમાને ફતેસિંહરાવ મ્યૂઝિયમમાં સ્થળાંતરિત કરવાની પરવાનગી માગતો પત્ર ફરી મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટના ક્યુરેટર અને સેક્રેટરી મંદા હિંગુરાવે મોકલ્યો છે.
2006માં આ શરતોને આધીન મંજૂરી અપાઇ
- ફાઇન આર્ટ્સ અને મ્યૂઝિયમના નિયામકના પ્રતિનિધિએ સ્ટેચ્યૂને કેવી રીતે ખસેડવું તેનું નિરીક્ષણ કરવું
- સ્ટેચ્યૂ આરસપહાણનું હોવાથી તેને નુકસાન ન થાય તે જોવાનું રહેશે
- સ્ટેચ્યૂ ખંડિત ન થાય તે જોવાનું રહેશે
- તમામ ખર્ચ માગણી કરનાર રાજવી પરિવાર કરશે
- સ્ટેચ્યૂને નુકસાન ન થાય તે પ્રમાણિત કરવાનું રહેશે
સરકારના મૂર્તિ ન ખસેડવાનાં આ રહ્યાં બહાનાં…
પાલિકા પાસે તાજેતરમાં જ ન્યાયમંદિરનો હવાલો આવ્યો હોવાથી નિર્ણય નથી લેવાયો
આરસપહાણની પ્રતિમા હોવાથી નુકસાન ન થાય તે સૌથી પહેલાં જોવું પડશે
પુરાતત્વ વિભાગે સત્તાવાર હવાલો ન હોવાથી નિર્ણય લેવાનું ટાળ્યું છે.
ટેક્નિકલ કારણોસર શિફ્ટિંગ ટાળવામાં આવે છે
ફતેસિંહ મ્યૂઝિયમે 2006માં સ્ટેચ્યૂ માગ્યું હતું. બે વર્ષ અગાઉ પાલિકા પાસે માગ્યું હતું. ટેક્નિકલ કારણ ઊભાં કરીને શિફ્ટિંગ ટાળવામાં આવી રહ્યું છે.મંદાબહેન હિંગુરાવ, સેક્રેટરી-મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ
ફતેસિંહ મ્યુઝિયમે પ્રતિમા માગી છે, કાર્યવાહી કરવાના છીએ
ફતેસિંહ મ્યૂઝિયમનો પત્ર મળ્યો છે. ન્યાયમંદિર પાલિકા હસ્તક છે, પ્રતિમાની માગ અંગે કાર્યવાહી કરીશું.