News Updates
GUJARAT

કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડીને 100 ફૂટ દુર ફંગોળાયા:દાંતા-અંબાજી જતા વાહનો રિટર્ન, થરાદમાં સ્થિતિ અતિ ખરાબ, બે દિવસથી વીજળી ગુલ

Spread the love

બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. એને લઇને ગુરુવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એને લઇને અનેક ઝાડ ધરાશાયી થયાં છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

અંબાજી અને દાંતા તરફ જતાં વાહન ચાલકો રિટર્ન
રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં નાવા નીર આવ્યા છે. આબુરોડ સુધી બનાસ નદીના નીર પહોંચ્યા છે. જ્યારે પાલનપુર-અંબાજી હાઇવે પર ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. પાલનપુરથી અંબાજી અને દાંતા તરફ જતાં વાહન ચાલકો રિટર્ન થઇ રહ્યા છે. તો ડીસા-થરાદ રોડ પર આવેલા કોલ્ડ સ્ટોરેજના પતરા ઉડીને 100 ફૂટ દુર ફંગોળાયા છે. તો કાંકરેજના આકોલી ગામે વૃદ્ધ મહિલાના મકાનના પતરા ઉડી જતાં ઘર વખરીનો સામાન પલળી ગયો છે. બીજી તરફ સાંતલપુરના વારાહી, ઝાઝાન્સર, છાણસરા, દઈગામડા સહિતના ગામે વૃક્ષઓ અને કાચા મકાન ધરાશયી થયા છે. બે દિવસથી અવિરત વરસાદના કારણે વીજળી ગુલ થઈ છે.

અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ, થરાદમાં અતિભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લાના થરાદના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં છે, તો થરાદ-ભાભર હાઇવે પર પણ પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે. અતિભારે વરસાદના કારણે થરાદમાં સોસાયટીઓ પાણીમાં પાણી ભરાઇ ગયાં છે. થરાદની સોમનાથ સોસાયટીમાં તો ઘરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતાં ઘરવખરીનો સામાન પલળી ગયો છે. જિલ્લાના અનેક નાના માર્ગો નાનાં વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.

કીડી-મકોડી નદી વહેતી થઇ
આ તરફ પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઇ ગયાં છે. એને લઇને એક બાજુનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં જિલ્લાના વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. તો ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નાના વોકળાઓમાં પાણી વહેતાં થયાં છે. એને લઇને ઋણીથી અનાપુર રોડ પાણીમાં ગરકાવ થયો છે. દાંતા તાલુકાના મંડાલી-જશવંતપુરા વચ્ચે પ્રસાર થતી કીડી-મકોડી નદી વહેતી થઇ છે.

છેલ્લા 24 કલાકથી વીજળી ડૂલ
રાધનપુરમાં ધોધમાર વરાસાદને લીધે મેઇન બજારના મસાલી રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ અને રેફરલ હોસ્પિટલ સહિત વિસ્તારમાં પાણી ભરાયાં છે. અહીં છેલ્લા 24 કલાકથી વીજળી ડૂલ છે. વૃક્ષો ધરાશાયી થતાં SDRF, નગરપાલિકા અને વન વિભાગની ટીમ દ્વરા પડેલાં વૃક્ષોને દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

સાબરકાંઠામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સર્વત્ર વરસાદ નોંધાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. એને લઈને સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 મિમીથી 88 મિમી વરસાદ નોંધાયો હતો, એટલે કે સવા ઇંચથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 88 મિમી, તો સૌથી ઓછો વરસાદ તલોદમાં 29 મિમી નોંધાયો હતો. આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.


Spread the love

Related posts

દેશનો પ્રથમ 8 લેન દ્વારકા એક્સપ્રેસ વેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, 9 હજાર કરોડના ખર્ચે થયો તૈયાર, જાણો ખાસિયત

Team News Updates

મનપાની સ્ટે. કમિટીની બેઠક મળી:જામનગરમાં રૂા.7.80 કરોડના વિકાસ કાર્યોની મંજૂરી, અંધાશ્રમ પાસે 1404 આવાસો ફરીથી બનાવવા સ્ટે.કમિટીનો સૈદ્ધાંતિક સ્વીકાર

Team News Updates

શ્રી લોહાણા મહાજન સુરેન્દ્રનગર તથા શ્રી રામદુત સેવા સંસ્થા દ્વારા શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા નું આયોજન કરાયું

Team News Updates