કલ્યાણપુરના મેવાસામાં સરકારી ખરાબામાં થતું બોક્સાઈટનું ખનીજ ચોરી ઝડપાય

0
196

33.10 લાખનો મુદ્દામાલ, બે ટ્રક સાથે ત્રણની કરાઈ અટકાયતઃ મોડીરાત્રે એલસીબી ના દરોડા

કલયાણપુર તાલુકાના મેવાસા ગામમાં મોડીરાત્રે કેટલાક શખ્સો બોક્સાઈટનું ગેરકાયદે ખનન કરી તેનો સંગ્રહ કર્યા પછી રાત્રિના સમયે તે જથ્થાનું પરિવહન કરી નિકાલ કરી નાખતા હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીએ રાખેલી વોચમાં ગેરકાયદે ખનનનું કૌભાંડ ઝડપાઈ ગયું છે. બોક્સાઈટ ભરેલો એક ટ્રક પોલીસની ઝપટે ચઢ્યા પછી બીજો ટ્રક પણ બોક્સાઈટનું નિકાલ કરવા જતો હતો ત્યારે ઝડપાઈ ગયો છે. તેના બન્ને ચાલક, બન્ને ટ્રકના માલિક તેમજ ખનન કરવા અંગે એક સહિત ચાર સામે ગુન્હો નોંધાયો છે. સ્થળ પરથી રૃા. તેત્રીસ લાખનો મુદ્દામાલ કબજે થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધમધમતા બોક્સાઈટ ખનનમાં કેટલાક આસામીઓ ગેરકાયદેસર રીતે બોક્સાઈટનું ખનન કરતા હોય અને તેનો સંગ્રહ કરી પરિવહન પણ કરાવતા હોય આવી પ્રવૃત્તિ ડામી દેવા રેન્જ આઈજી સંંદીપ સીંઘે આપેલી સૂચનાના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા સુનિલ જોશીએ હાથ ધરેલી તપાસમાં આવી પ્રવૃત્તિ મોટાભાગે રાત્રિના સમયે થતી હોવાનું ધ્યાને આવતા એસપીએ દ્વારકા એલસીબીને ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી. જેના પગલે પીઆઈ જે.એમ. ચાવડાના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે કલ્યાણપુર તાલુકામાં નાઈટ પેટ્રોલીંગ શરૃ કર્યું હતું. તે દરમ્યાન ગઈરાત્રિએ મેવાસા ગામમાં આવેલા એક સરકારી ખરાબામાં બોક્સાઈટનું ગેરકાયદે પરિવહન થઈ રહ્યું હોવાની બાતમી પીઆઈ ચાવડા તથા સ્ટાફના મસરીભાઈને મળતા એલસીબીનો કાફલો ધસી ગયો હતો. જેમાં જીજે-૧૦-ટીવી-૯૦૮૭ અને જીજે-૧૦-એક્સ-૯૨૮૨ નંબરના બે ટ્રક મળ્યા હતાં. ઉપરોક્ત વાહનો પૈકીનો ૯૦૮૭ નંબરનો ટ્રક કે જે હદુભાઈ દેવાતભાઈ લગારીયાની માલિકીનો છે તે ટ્રકમાં બોક્સાઈટ ભરી રવાના કરવામાં આવ્યો હતો. તેને મેવાસાથી રાણ ગામ વચ્ચેથી પકડવામાં આવ્યો હતો. તેનું ટ્રક માલિક પાયલોટીંગ કરતા અને બુધાભાઈ પરબતભાઈ ગઢવી ડ્રાયવીંગ કરતા હતાં. તે ટ્રકમાં રહેલા બોક્સાઈટ અંગે આધાર માંગવામાં આવતા બન્ને શખ્સોએ રોયલ્ટી કે આધાર ન હોવાનું જણાવતા તે ટ્રકને ક્યાંથી ભરવામાં આવ્યો તેની પુછપરછ કરવામાં આવ્યા પછી મેવાસાના સરકારી ખરાબામાં એલસીબીનો કાફલો પહોંચવા પામ્યો હતો. ત્યાંથી ૯૨૮૨ નંબરનો બોક્સાઈટ ભરેલો બીજો ટ્રક રવાના થવાની તૈયારીમાં હતો તે ટ્રકનો ચાલક મંગાભાઈ ભીખાભાઈ ગઢવી પોલીસને જોઈને ટ્રક સાથે નાસી છૂટવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

બન્ને ટ્રકમાં સરકારી ખરાબામાંથી અનઅધિકૃત રીતે મોડીરાત્રિના સમયે બોક્સાઈટનું ગેરકાયદે ખનન, સંગ્રહ, પરિવહન કરાતું હોવાનું જણાઈ આવતા પીઆઈ ચાવડાએ ખાણ ખનિજ ખાતાના અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ખાણ ખનિજની ટીમ પણ ધસી ગઈ હતી. તેઓએ કરેલા સર્વેમાં અંદાજે ૪૩૫ મેટ્રીક ટન બોક્સાઈટ ખનન કર્યાનું ખૂલતા રૃા. ૬,૭૦,૦૦૦ની ખનિજ ચોરીનું અનુમાન કરવામાં આવ્યું છે. પોલીસે રૃા. ૨૫,૦૦,૦૦૦ બે ટ્રક, રૃા. ૧,૪૦,૦૦૦ની કિંમતનો ૨૮.૫૦ ટનનો જથ્થો કબજે કર્યો છે. બન્ને ટ્રકના માલિક હદુભાઈ, ડ્રાયવર મંગાભાઈ, બુધાભાઈ સહિત બોક્સાઈટ ખનન કરવા અંગે જેસીબીના માલિક અને ડ્રાયવર મેવાસા ગામના હેમત દેવાણંદ ગાધેર સામે ગુન્હો નોંધાયો છે. મોડીરાત્રિના સમયે પણ પોલીસે કરેલી ઉપરોક્ત કામગીરીના પગલે ખનિજ ચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અહેવાલ- સાગર સંધાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here