ગુજરાતમાં લોકડાયરાના આયોજનમાં ચલણીનોટનો વરસાદ થવો સામાન્ય બાબત છે. પરંતુ, નવસારીમાં સાંઈ મંદિરા લાભાર્થે યોજાયેલા લોકગાયક અપેક્ષા પંડ્યાના લોકડાયરામાં ખાખીવર્દીમાં સજ્જ PSI પર બૂટલેગરે ચલણીનોટનો વરસાદ કરતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. ત્યારે આવો જાણીએ કે, PSI પર ચલણીનોટ વરસાદ કરનાર બૂટલેગર કોણ છે અને આ વીડિયો વાઈરલ થયા બાદ પીએસઆઈ શું કહી રહ્યા છે.
મંદિરના લાભાર્થે કરાયું હતું ડાયરાનું આયોજન
નવસારીના સાંઈ મંદિરના પાટોત્સવ નિમિતે લોકગાયક અપેક્ષા પંડ્યાના લોકડાયરાનું આયોજન કરાયું હતું. ભૂતકાળમાં નવસારીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરતમાં PSI તરીકે ફરજ બજાવતા એસ.એફ.ગોસ્વામીને આમંત્રણ અપાયું હોઇ તેઓ પણ ડાયરામાં હાજર રહ્યા હતા. PSI જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે અન્ય લોકોની સાથે બૂટલેગર દીપક ઉર્ફે કાલેબાબા પણ ત્યાં પહોંચ્યો હતો અને PSI પર મોજથી ચલણીનોટનો વરસાદ કરવા લાગ્યો હતો.
ફિલ્મની ધૂન વાગતા જ સૌ કોઈ મોજમાં આવી ગયા
લોકડાયરામાં ‘તેરે જૈસા યાર કહા…’ ગીતની ધૂન વાગતા જ કલાકારોની સાથે ઉપસ્થિત લોકો પણ મોજમાં આવી ગયા હતા. આ સમયે કાલેબાબા ચલણીનોટનો દોથો ભરીને PSI પર રૂપિયાનો વરસાદ કરવા લાગ્યો હતો. આ સમયે અન્ય એક બૂટલેગર પણ ત્યાં હાજર જોવા મળ્યો હતો.
શું કહી રહ્યા છે PSI?
નવસારીના લોકડાયરાનો જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળી રહેલા PSI ગોસ્વામી ભૂતકાળમાં નવસારીમાં ફરજ બજાવી ચૂક્યા છે. હાલ તેઓ સુરતમાં ફરજ બજાવી રહ્યા છે. આ વીડિયો મામલે તેઓએ કહ્યું હતું કે, આ ડાયરામાં હું હાજર રહ્યો હતો. પરંતુ, મારા પર પૈસાનો વરસાદ કરનાર કોણ છે તેને હું ઓળખતો નથી. તે મારા પર પૈસાનો વરસાદ કરી રહ્યો હતો તેની મને જાણ હતી. પરંતુ, હું તેને વ્યક્તિગત ઓળખતો નથી. મંદિરના આયોજકોએ મને ડાયરામાં આમંત્રણ આપ્યું હતું જેથી હું ત્યાં હાજર રહ્યો હતો.