રશિયામાં ટ્રેનિંગ મિશન દરમિયાન Su-24 બોમ્બર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે વિમાન વોલ્ગોગ્રાડના ઓછી વસ્તીવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. જો કે, સેનાએ વિમાનના ક્રૂ વિશે કોઈ માહિતી જણાવી નથી.
બીજી તરફ રશિયામાં જ અન્ય એક પેસેન્જર પ્લેનને હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતા તેને ખેતરમાં લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. BBCના જણાવ્યા અનુસાર પ્લેનમાં લગભગ 170 મુસાફરો સવાર હતા. જો કે મંગળવારે ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી.
એરબસ A320એ પૂર્વી સાઇબીરિયામાં ઓમ્સ્ક માટે ઉડાન ભરી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે યુરાલ એરલાઇન્સનું વિમાન, એરબસ A320, સોચીના બ્લેક સી રિસોર્ટથી પૂર્વી સાઇબીરિયામાં ઓમ્સ્ક માટે ઉડાન ભરી હતી. ક્રૂ મેમ્બર્સે હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી હોવાની જાણ કરી અને નોવોસિબિર્સ્કના ટોલમાચેવો એરપોર્ટ પર પ્લેનને લેન્ડ કરવાની પરવાનગી માંગી, જ્યાં રનવે લાંબો છે.
ઉરલ એરલાઈન્સના ડાયરેક્ટર જનરલ સર્ગેઈ સ્કર્તોવે જણાવ્યું હતું કે પાઈલટોને પછીથી ખબર પડી કે તેમની પાસે પૂરતું ઈંધણ નથી. તેણે કામેન્કા ગામમાં લેન્ડિંગ પોઈન્ટ પસંદ કર્યું અને ત્યાં પ્લેનને લેન્ડ કરાવ્યું હતું.
તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફ્લાઈટ ક્રૂ સસ્પેન્ડ
રશિયાની ઉડ્ડયન એજન્સી રોસાવિયેત્સિયાએ જણાવ્યું કે ઈમર્જન્સી લેન્ડિંગની તપાસ કરવામાં આવી રહી છે. યુરાલ એરલાઈન્સે તપાસ પૂર્ણ થવા સુધી ફ્લાઇટ ક્રૂને સસ્પેન્ડ કરી દીધા છે.
યુક્રેન યુદ્ધ બાદથી રશિયન એરલાઇન્સ મુશ્કેલીનો સામનો કરી રહી છે. અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેમને સ્પેરપાર્ટ્સ નથી મળી રહ્યા. આવી સ્થિતિમાં, રશિયન એરલાઈન્સે ચીન અને યુએઈ જેવા દેશોમાં સ્થિત મધ્યસ્થીઓની મદદ લેવી પડી રહી છે.
2019માં યુરાલ એરલાઇન્સનું વિમાન, એરબસ A321, ટેકઓફ દરમિયાન પક્ષીઓ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનને મોસ્કો નજીકના એક મેદાનમાં ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન ફ્લાઇટમાં 233 મુસાફરો સવાર હતા. લેન્ડિંગમાં કોઈને જાનહાનિ થઈ નહોતી, પરંતુ 23 લોકો ઘાયલ થયા છે.