શનિવારે (16 સપ્ટેમ્બર), સેનાએ કાશ્મીરના બારામુલ્લાના હથલંગા વિસ્તારમાં ઉરીમાં એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો હતો. જ્યારે બેથી વધુ આતંકીઓની શોધખોળ ચાલુ છે.
સવારે આ વિસ્તારમાં 3 આતંકવાદીઓ જોવા મળ્યા બાદ આર્મી-પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી.
અહેવાલો અનુસાર, આ એ જ વિસ્તાર છે જ્યાં સુરક્ષા દળોએ ડિસેમ્બર 2022માં એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ એક ગુફામાંથી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો.
છેલ્લા 6 દિવસમાં આ ચોથું એન્કાઉન્ટર છે. 11 સપ્ટેમ્બરે રાજૌરીમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 1 જવાન શહીદ થયો હતો. 13 સપ્ટેમ્બરે અનંતનાગના કોકરનામાં 4 જવાનો શહીદ થયા હતા, પરંતુ 2 આતંકીઓની શોધ ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં મંગળવારે સાંજે આતંકવાદીઓ સાથેની અથડામણ હજુ પણ ચાલુ છે. અહીં અત્યાર સુધીમાં 4 જવાન શહીદ થયા છે. અનંતનાગમાં લગભગ બે હજાર જવાનો પહાડી વિસ્તારના ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવામાં લાગેલા છે. ડ્રોન સર્વેલન્સ હેઠળ, જ્યાં પણ આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે ત્યાં મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે.
હેલિકોપ્ટર અને સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે. પીર પંજાલ નામનો આ પર્વતીય વિસ્તાર લગભગ 4300 કિલોમીટરમાં ફેલાયેલો છે, જે સર્ચ ઓપરેશન માટે એક મોટો પડકાર છે. આતંકવાદીઓએ મંગળવારે (12 સપ્ટેમ્બર) સાંજે હુમલો કર્યો જ્યારે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. અત્યાર સુધીમાં બે સૈન્ય અધિકારી, એક સૈનિક અને એક પોલીસ અધિકારી શહીદ થયા છે.
રાજૌરી એન્કાઉન્ટર સાઇટ પરથી એકે-47 અને ગોળીઓ મળી આવી
રાજૌરીમાં પણ આ અઠવાડિયે, મંગળવારે (12 સપ્ટેમ્બર) એક એન્કાઉન્ટર દરમિયાન એક સૈનિક શહીદ થયો હતો અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અહીં સર્ચ દરમિયાન સેનાનું એક ડોગ પણ મૃત્યુ પામ્યું હતું. પોતાના હેન્ડલરનો જીવ બચાવવા તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો. રાજૌરીમાં એન્કાઉન્ટર પૂર્ણ થયું છે.
આ વર્ષે કાશ્મીરમાં અત્યાર સુધીમાં 40 આતંકવાદીઓ માર્યા ગયા
કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી મોટો હુમલો છે, જેમાં આટલા વરિષ્ઠ અધિકારીઓ શહીદ થયા છે. અગાઉ, 30 માર્ચ, 2020 ના રોજ, કાશ્મીરના હંદવાડામાં 18 કલાકના હુમલામાં કર્નલ, મેજર અને સબ-ઇન્સ્પેક્ટર સહિત પાંચ અધિકારીઓ શહીદ થયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 40 આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી માત્ર 8 સ્થાનિક હતા અને બાકીના તમામ વિદેશી હતા.