સૌથી પહેલા ટ્રેનિંગ દરમિયાન 300થી 7500નો સ્ટાઈપેન્ડ મળશે. ત્યારબાદ કામદારોને પ્રથમ હપ્તામાં 1 લાખ, બીજા હપ્તામાં 2 લાખ એટલે કુલ 3 લાખ સુધીની ફ્રી લોન માત્ર 5 ટકા વ્યાજ પર આપવામાં આવશે. જેથી આ ફાયદાની જાણકારી ભાજપ જોરશોરથી લાભાર્થીઓ સુધી પહોંચાડશે.
હાલમાં વિપક્ષી દળ 2024ની ચૂંટણી જીતવા માટે ઓબીસી કાર્ડની રમત રમી રહ્યું છે. ત્યારે હવે ભાજપે પણ તેની સામે રસ્તો શોધી કાઢ્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને કોંગ્રેસ જે રીતે માહોલ ઉભો કરી રહ્યું છે, તેને કાઉન્ટર કરવા માટે ભાજપે એક ખાસ પ્રકારની રણનીતિ તૈયાર કરી છે. ભાજપે PM વિશ્વકર્મા યોજના (PM Vishwakarma Yojana) દ્વારા સમાજના પછાત વર્ગને પોતાની તરફ આકર્ષવા માટે સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આગેવાનીમાં એક બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં અમિત શાહે 2024ની ચૂંટણી જીતવા માટે 24 પસંદગીના નેતાઓની એક ટીમ બનાવી છે, આ ટીમમાં દરેક સભ્યને 1 અથવા 2 રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નેતાઓ PM વિશ્વકર્મા યોજનાથી સમાજને થતાં લાભ અને ભવિષ્યના લાભાર્થી વર્ગ સુધી કેવી રીતે પહોંચશે તે જણાવશે. સુત્રો મુજબ ગૃહપ્રધાન અમિત શાહની આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં હાજર રહેલા નેતાઓને PM વિશ્વકર્મા યોજનાના લાભને દરેક લોકો સુધી પહોંચાડવા અને લોકોને માહિતગાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. અમિત શાહની સાથે સ્ટેજ પર ભાજપના 5 રાષ્ટ્રીય મહામંત્રી સિવાય ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે લક્ષ્મણ પણ હાજર રહ્યા, બેઠકમાં ઉત્તરપ્રદેશના બીએલ વર્મા, શ્રીકાંત શર્મા અને સંગમલાલ ગુપ્તા જેવા નેતા હાજર રહ્યા. સાથે જ વિપલ્પ દેવ, લોકેટ ચેટર્જી જેવા નેતા પણ વિશેષ ટીમનો ભાગ બનીને બેઠકમાં સામેલ રહ્યા.
30 લાખ લાભાર્થીઓને મળશે ફાયદો
PM વિશ્વકર્મા યોજના હેઠળ આગામી 5 વર્ષમાં લગભગ 30 લાખ જેટલા લાભાર્થીઓને ફાયદો આપવામાં આવશે, તેવું સુત્રો જણાવી રહ્યા છે. એટલે કે દર વર્ષે લગભગ 6 લાખ લાભાર્થી તેનો ફાયદો મેળવી શકશે. સૌથી પહેલા ટ્રેનિંગ દરમિયાન 300થી 7500નો સ્ટાઈપેન્ડ મળશે. ત્યારબાદ કામદારોને પ્રથમ હપ્તામાં 1 લાખ, બીજા હપ્તામાં 2 લાખ એટલે કુલ 3 લાખ સુધીની ફ્રી લોન માત્ર 5 ટકા વ્યાજ પર આપવામાં આવશે. જેથી આ ફાયદાની જાણકારી ભાજપ જોરશોરથી લાભાર્થીઓ સુધી પહોંચાડશે.
જાણો અત્યાર સુધી કેટલી મળી અરજી
વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર મહિનામાં યોજનાને લોન્ચ કરી હતી. જેમાં અત્યાર સુધી લગભગ 2 લાખ લોકો અરજી કરી ચૂક્યા છે. હવે પાર્ટી દેશના પરંપરાગત શિલ્પકાર જાતિઓની વચ્ચે આગામી 2-3 મહિનામાં તેની જાણકારી વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તેની વ્યવસ્થા ગોઠવવામાં લાગી છે. પાર્ટીના સિનિયર લોકોનું માનવું છે કે ભાજપ લુહાર, સોની, નાયી, ધોબી જેવા 18 જાતીના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે.
કોંગ્રેસ દેશમાં વસ્તી ગણતરી કરાવવાને લઈને મક્કમ છે. રાહુલ ગાંધી જે પણ સભામાં જઈ રહ્યા છે, ત્યાં વસ્તી ગણતરી કરાવવાની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ‘જેટલી આબાદી તેટલો હક’ તેવી તેમની પ્રતિજ્ઞા છે. તમને જણાવી દઈએ કે બિહારમાં જાતિગત વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા બાદ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં જાતીગત વસ્તી ગણતરી કરાવવાની વાત કરવા લાગ્યા છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે જ્યારે બિહારમાં પછાત વર્ગની સંખ્યા 84 ટકા છે તો દેશમાં જાતિગત વસ્તી ગણતરીથી તેનો સાચો આંકડો જાણી શકાશે. કોંગ્રેસ બિહાર બાદ હવે રાજસ્થાનમાં પણ જાતિગત વસ્તીગણતરી કરાવવા જઈ રહી છે, તેના માટે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે ભાજપ દેશમાં જાતિગત વસ્તીગણતરી કરાવવાના પક્ષમાં નથી. ભાજપ કહે છે કોંગ્રેસ દેશને જાતિ આધારીત વહેંચવા ઈચ્છે છે.