રંગીલા રાજકોટને સ્વચ્છ બનાવવા મનપા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શહેરમાં આઈ-વે પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા 1000થી વધુ સીસીટીવી કેમેરાઓ દ્વારા જાહેરમાં કચરો ફેંકતા તેમજ પાન-ફાકી ખાઈને જાહેર રસ્તા પર થૂંકનારાઓને ઝડપી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે આજે વધુ 23 લોકોને જાહેરમાં પાન-ફાકી ખાઈને થૂંકતા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતાં. આ તમામ લોકો સીસીટીવી કેમેરાની બાજનજરે ચડી જતા ઇ-ચલણ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.
આંકડો 23ની પાર
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપા દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરને પ્લાસ્ટીક મુક્ત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ અને લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જાહેરમાં પાન-ફાકી ખાઈને થૂંકતા અને ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને સીસીટીવી કેમેરા મારફત ઝડપી લેવામાં આવી રહ્યાં છે. આ કામગીરીમાં દિવસે દિવસે જાહેરમાં થૂંકતા ઝડપાયેલા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પૂર્વે 2 વ્યક્તિ રસ્તા પર થૂંકતા ઝડપાયા હતા. ત્યારે આજે આ આંકડો 23 પર પહોંચતા હમ નહીં સુધરેંગે જેવો ઘાટ ઘડાયો હતો.
24 કલાકમાં નિવારણ
મનપાનાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા કુલ 2522 લોકેશન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 631 સફાઈ કામદારોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દરમિયાન વોર્ડ નં. 7/બ નાં સફાઈ કામદાર જાહેરમાં કચરો ફેકતાં નજરે પડતા રૂ.250 દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 59 ફરિયાદો પણ સીસીટીવી કન્ટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બનીને કરવામાં આવી હતી. આ ફરિયાદોનું ફોલોઅપ પણ જેતે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેક્ટર પાસેથી લઈ 24 કલાકમાં તેનું નિવારણ કરાયું હતું.
સ્વચ્છતા મુદ્દે જાગૃત થાય તે જરૂરી
ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા સઘન સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સીસીટીવી મારફત ગંદકી કરતા લોકોને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે, પરંતુ કરુણતા એ છે કે સીસીટીવી માત્ર શહેરના મુખ્ય માર્ગો ઉપર લગાવવામાં આવેલા છે. જેને કારણે અંદરનાં વિસ્તારો તેમજ અન્ય છેવાડાનાં વિસ્તારોમાં થતી ગંદકી અટકાવવા ઉપરાંત પગપાળા જતા થૂંકે તો તેમને ઝડપી લેવા કોઈપણ વ્યવસ્થા મનપા પાસે ઉપલબ્ધ નથી. પરિણામે ગણ્યાગાંઠ્યા લોકો ઝડપાય છે, પરંતુ તેનાથી શહેરની સ્વચ્છતામાં ખાસ ફરક પડતો નથી. ત્યારે લોકો જાતે પણ સ્વચ્છતા મુદ્દે જાગૃત થાય તે જરૂરી છે.