રાજકોટમાં બૂટલેગર પિતા-પુત્રએ ઘરના કબાટની અંદર સુરંગ બનાવી દારૂ છુપાવ્યો; જથ્થો કાઢતા LCBને પરસેવો વળ્યો
તા.૩૧,રાજકોટ:દારૂની હેરાફેરી તેમજ છુપાવી રાખવા માટે બુટલેગરો નવા- નવા કીમિયા અપનાવે છે. તેવામાં ગઇકાલે રાજકોટમાં એક જ રાત્રિમાં બે બુટલેગરના ઘર પર એક જ મોડેસ ઓપરેન્ડીથી છુપાવેલ દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં SMC દ્વારા થોરાળા વિસ્તારમાં અને LCB ઝોન વન દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તરમાં બુટલેગરના ઘર પર રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગર પિતા-પુત્રએ ઘરના કબાટની અંદર સુરંગ બનાવી દારૂ છુપાવ્યો હતો. દારૂનો જથ્થો બહાર કાઢતા પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. કબજે કરેલ વિદેશી દારૂની બોટલોની સંખ્યા જોઈને લાગે જાણે ફ્લોરિંગમાંથી આખો બાર નીકળ્યો હોય.
31 ડિસેમ્બરની આગલી રાત્રે રાજકોટ શહેર LCB ઝોન વનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં દિલીપ ચંદારાણાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો છે. જેથી મકાનમાં રેડ કરતા મકાનની અંદર જમીનની નીચે એક ચોરખાનું બનાવેલું હતું. તેની અંદર રહેલ અલગ- અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 332 બોટલ મળી કુલ 1,02,300નો મુદામાલ કબજે કરી ફરાર આરોપી બુટલેગર પિતા- પુત્ર દિલીપ ચંદારાણા અને પ્રતીક ચંદારાણાની શોધખોળ હાથ ધરી છે. આરોપી દિલીપ ચંદારાણા વિરુદ્ધ અગાઉ 6 ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે તેનો પુત્ર પ્રતીક વિરુદ્ધ અગાઉ 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
લાંબા સમય બાદ ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રાજકોટમાં રેડ કરવામાં આવી છે. આ વખતે SMC દ્વારા બુટલેગરના ઘરમાં રેડ કરી ઘરની અંદર બનાવેલ સુરંગમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, 31 ડિસેમ્બરને લઈ રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગંજીવાળા શેરી નં.15માં રહેતા લિસ્ટેડ બુટલેગર હિતેશ ભગવાનજી મજેઠીયાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરે રાખ્યો છે.
SMCની ટીમે ચોરખાનામાંથી દારૂ કાઢ્યો
જેથી SMC ટીમે તે ઘરે રેડ કરતા બુટલેગરના ઘરની અંદર જમીનની નીચે એક ચોરખાનું બનાવેલ મળી આવ્યું હતું. જેમાં અનેક બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બુટલેગર હિતેશ ભગવાનજી મજેઠીયા ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરી છે.