તમિલનાડુના વેપારીઓ હાપા માર્કેટ યાર્ડમાંથી મગફળીની ખરીદી કરતા હોવાથી, ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતા સારા ભાવ મળે છે. તેથી અન્ય વિસ્તારમાં અને જિલ્લામાંથી પણ ખેડુતો પોતાની મગફળીને લઈને હાપા પહોચે છે.
લાભ પાંચમ બાદ શરુ થયેલ હાપા માર્કેટયાર્ડમાં આજે મગફળીની વિક્રમી આવક થવા પામી છે. માર્કેટયાર્ડ ખુલતાની સાથે વેચાણ અર્થે મગફળીની મબલખ આવક થતા, સત્તાવાળાઓને મગફળીની નવી આવક પર પુનઃ પ્રતિબંધ મુકવાની ફરજ પડી છે.
જામનગર જિલ્લાના હાપા માર્કેટયાર્ડ કૃષિ પેદાશોના વેચાણ માટે મોટુ ગણાય છે. આ માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે ઉમટી પડ્યા હતા. એક જ દિવસમાં મગફળી ભરેલ 900 વાહનો આવતા, હાપા માર્કેટ યાર્ડના સત્તાવાળાઓને ફરી એકવાર ખેડૂતોને તેમની મગફળી બીજી સુચના ના મળે ત્યાં સુધી વેચાણ અર્થે ના લાવવા કહેવું પડ્યું છે.
લાભ પાંચમના દિવસથી માર્કેટ યાર્ડમાં શરુ થયેલ હરાજી માટે 345 વાહનોમાં ખેડૂતો તેમની મગફળી વેચવા માટે ઉમટ્યા હતા. હાપા માર્કેટયાર્ડે વધુ વાહનોની આવકને પગલે ખેડૂતોને તેમની મગફળી વેચવા માટે ના આવવા કહેવું પડ્યું હતું. આ બાદ જ્યારે માર્કેટ યાર્ડ ફરી હરાજી માટે શરુ થતા, ખેડૂતો મગફળી ભરેલ 900 વાહનો સાથે ઉમટયા હતા.