અંકલેશ્વરમાં આમલાખાડી નજીક સુરત તરફ જતી કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયરબ્રિગેડના લાશ્કરોને કરાતાં તેમણે ટીમ સાથે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ નહિ નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કારમાંથી ધુમાડો નીકળ્યા બાદ અચાનક આગ લાગી
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 પરથી એક કારચાલક અમરેલીથી સુરતના કામરેજ તરફ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓ અંકલેશ્વરની આમલાખાડી પાસે પહોંચતાં કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ સમયે કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક કારની બહાર દોડી આવી સલામત સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે અચાનક કારમાં આગ ભભૂકી ઊઠ્યા બાદ આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતાં આગમાં કાર ભડભડ સળગવા લાગી હતી. એના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
આગની ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયરબ્રિગેડના લાશ્કરોને કરતાં તાત્કાલિક તેમની ટીમ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે મુખ્ય માર્ગ હાઇવે નંબર.48 પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહિ નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો.