દેશની શાન ગણાતા સાવજોનો અમરેલી જિલ્લામાં દબદબો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વધી રહી છે. આ વિસ્તારમાં સિંહોને રહેઠાણ અનુકૂળ આવી ગયું છે, જેના કારણે સિંહો માનવ વસાહત વચ્ચે હરિફરી રહ્યા છે. ત્યારે સિંહ પરિવારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જેવા મળે છે કે, સિંહ પરિવારે પીપાવાવ પોર્ટ હાઇવે ક્રોસ કરતાં થોડીવાર માટે વાહનોના પૈડાં થંભી જાય છે.
ભારે વાહનોની ધમધમતો હાઇવે ક્રોસ કર્યો
સામાન્ય રીતે એક સમય એવો હતો ગીર જંગલોમાં સિંહો જોવા મળતા, પરંતુ હવે અમરેલી જિલ્લામાં અનેક હાઇવે લોકેશનો ઉપર સિંહો રેગ્યુલર જોવા મળે છે. સૌથી વધુ સિંહોના વીડિયો અહીંના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે. રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ફોરવે માર્ગ પર 24 કલાક ભારે વાહનોની અવર જવર રહે છે. ત્યારે આ ધમધમતા હાઇવેને સિંહ પરિવારે ક્રોસ કર્યો હતો.
બાઇક ચાલકે યુટર્ન મારી દીધો
રાત્રીના સમયે એક સાથે 4 સિંહો શિકારની શોધમાં હાઇવે ઉપર આવતા ટ્રક ચાલક સિંહને જોઇ ધીરે ધીરે જઇ રહ્યો છે, ત્યારે સામેથી બાઇક ચાલક આવી જતા ઓચિંતા સિંહોને જોઇ બાઇક ચાલકે તુરંત જ યુટર્ન મારી દીધો હતો. જોકે સિંહોએ કોઈ હુમલાનો પ્રયાસ કર્યો ન હતો.