News Updates
SURAT

ગુજરાત બોર્ડમાં પ્રથમવાર:સુરતના બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી રાઈટર વિના ધો. 12ની પરીક્ષા ઓનલાઈન આપશે, 3.30 કલાકનું પેપર, કેવી રીતે કરશે ટાઈપિંગ?

Spread the love

ગુજરાત બોર્ડમાં પ્રથમ વખત સુરતના 100 ટકા પ્રજ્ઞાચક્ષુ બે વિદ્યાર્થી કોઈ પણ મદદનીશ વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપવા જઈ રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 2024 આપનાર ગુજરાત બોર્ડમાંથી આ બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી હશે, જે માર્ચ મહિનામાં યોજાનારી પરીક્ષામાં ઓનલાઈન મોડમાં બેસશે. સામાન્ય વિદ્યાર્થી કરતા અડધો કલાક વધારે એટલે કે સાડા ત્રણ કલાકનું પેપર રહેશે.

મોતિયાના ઓપરેશન પછી આનંદે સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવી
ભટાર વિસ્તારમાં રહેતો આનંદ ભાલેરાવ સુરતની ઘોડદોડ રોડ સ્થિત આવેલી અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે. જ્યારે તે સાતમા ધોરણમાં ભણતો હતો, ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારબાદ તેણે બંને આંખોની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે, આથી દ્રઢ નિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિ બાધાને તેના જીવનના માર્ગમાં આવવા દીધી નથી.

લોકડાઉને મારામાં એક આશાનું કિરણ જગાવ્યું
આનંદે જણાવ્યું હતું કે, મારા પિતા છૂટક કામ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. આ ટેકનોલોજી હમણા હમણા આવી છે. કોરોનામાં લોકડાઉને મારામાં એક આશાનું કિરણ જગાવ્યું હતું. એ સમયે જ ટેકનોલોજીની મદદથી હું શિખ્યો હતો. જે આજે કામ આવી રહી છે

સિયા પણ 100 ટકા પ્રજ્ઞાચક્ષુ
ડભોલી વિસ્તારમાં સિયા બોદરા પરિવાર સાથે રહે છે. સિયા પ્રજ્ઞાચક્ષુ છે અને છેલ્લા 12 વર્ષથી અંધજન સ્કૂલમાં અભ્યાસ કરે છે. પરિવારમાં સિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે. જોકે, પરિવાર સિયાને તમામ બાબતમાં સપોર્ટ કરે છે. અભ્યાસ બાબતે પરિવારના સપોર્ટથી હવે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપવા જઈ રહી છે.

હું જાતે લેપટોપ પર ટાઇપ કરી પરીક્ષા આપીશ
સિયાએ જણાવ્યું હતું કે, પહેલા તો અમે બ્રેઇલ લીપીમાં અભ્યાસ કરતા હતા, પણ છેલ્લા ત્રણ વર્ષથી ટેકનોલોજીના સહારે અભ્યાસ કરૂ છું. હું ધો. 12ની પરીક્ષા લેપટોપથી આપવાની છું અને તૈયારી પણ જોરદાર છે. હું જાતે લેપટોપ પર ટાઇપ કરી પરીક્ષા આપીશ.

પરીક્ષા આપવા ટેકનોલોજીની મદદ લીધી
બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો ઉપયોગથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને સ્કૂલે તેની મદદ કરી છે. બંને આંખથી દેખાતું નથી. પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય કોમ્પ્યુટર કી-બોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે. આનંદ અંધજન સ્કૂલની હોસ્ટેલમાં રહીને ધોરણ 12ની તૈયારી કરે છે. કોઈપણ પર નિર્ભર ન રહેવું પડે તે હેતુથી આનંદ અને સિયા કોઈપણ સહાયકની મદદ વગર બોર્ડની પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી છે.

ટોપ બેક નામના સોફ્ટવેરની મદદ લેશે
કોરોના બાદ સ્કૂલમાં જે ટેકનોલોજી લાવવામાં આવી છે તે ટેકનોલોજીથી ભણવાની શરૂઆત કરી છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે અને NVDA નામનું સ્ક્રીન રીડર દ્વારા બંને વિદ્યાર્થી છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે. પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. હવે બંને વિદ્યાર્થી ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યા છે, કારણ કે ટાઈપિંગ સ્પીડ સારી હશે તો સમયસર તમામ સવાલોના જવાબ લખી શકશે.

ગુજરાત બોર્ડે તેમની માગણી સ્વીકારી
અંધજન સ્કૂલના આચાર્ય મનીષા ગજ્જરે જણાવ્યું હતું કે, આનંદ અને સિયા સ્કૂલમાં ઉપલબ્ધ ટેક્નોલોજી દ્વારા અભ્યાસ શરૂ કર્યો છે. હવે તે કોઈપણ આસિસ્ટન્ટ વગર સીધા જ કોમ્પ્યુટરમાં તેના જવાબો લખી શકે છે, આથી તેને આવનારી બોર્ડની પરીક્ષામાં આસિસ્ટન્ટ લેવાની જરૂર નથી. આનંદ અને સિયા પોતે જ જવાબ લખ્યો હતો અને બોર્ડેને કહ્યું હતું કે તેઓ આ વખતે પરીક્ષામાં કોઈપણ સહાયક વિના હાજર રહેશે, ત્યારબાદ ગુજરાત બોર્ડે તેમની માગણી સ્વીકારી છે.

લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે
વધુમાં જણાવ્યું હતું કે, બંને વિદ્યાર્થી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોવા છતાં કોઈ પણ મદદનીશ વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે. સામાન્ય કી-બોર્ડ પર તે સોફ્ટવેરના માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે અને NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે. જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે બ્રેઈલ લિપિમાં આવશે, જરૂર હશે તો એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે.

વિદ્યાર્થીઓના જુસ્સાને લઈને સ્કૂલે પણ મદદ કરી
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડમાં પ્રથમવાર કોઈ પ્રજ્ઞાચક્ષુ રાઇટર વિના પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી. જેના માટે ગુજરાત બોર્ડમાં એપ્લિકેશન કરવામાં આવી હતી. ત્યારબાદ આ બંને બાળકોની એપ્લિકેશનને મંજૂરી આપવામાં આવી હતી. આ આખી પ્રોસેસ જેના ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓના જુસ્સાને લઈને સ્કૂલે પણ તેમની તેટલી જ મદદ કરી હતી અને તેમાં સફળતા મળી હતી.

સ્કૂલે બે લેપટોપ અપ ટુ ડેટ કર્યા
તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાત બોર્ડમાં પણ પ્રથમવાર હોવાથી આખી પરીક્ષા કેવી રીતે લેવાશે તેની પણ તૈયારીઓ કરવામાં આવી હતી. હાલ તો આ પરીક્ષા માટે સ્કૂલ દ્વારા બે લેપટોપ તૈયાર કરાવવામાં આવ્યા છે. પ્રશ્નોના જવાબ લેપટોપમાં ટાઈપ થઈ ગયા બાદ આ તમામ જવાબોની પ્રિન્ટ કાઢવામાં આવશે અને ત્યારબાદ તેને બોર્ડની આન્સરશીટના પેજ પર લગાવવામાં આવશે.


Spread the love

Related posts

19 વાદ્યો વગાડી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું,સંગીતના 700થી વધુ લાઈવ શો કર્યા,17 વર્ષની ઉંમરમાં જ,સુરતના ભવ્યની સંગીતમાં ભવ્યતા

Team News Updates

ક્રાઇમ પેટ્રોલ જેવી મર્ડર મિસ્ટ્રી:પત્નીએ દીકરીઓ સાથે મળી ગુજરાતમાં પતિને મોતને ઘાટ ઉતાર્યો; વતન પહોંચી પરિવારને કહ્યું, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં પતિનું મોત થયું

Team News Updates

સુરતની હચમચાવી દેતી ઘટના:મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, પ્રાઇવેટ પાર્ટ, મોઢા પર ગંભીર ઇજા, હાલ બેભાન

Team News Updates