રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 51મા યુવક મહોત્સવનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસ ચાલનાર આ મહોત્સવમાં જુદી-જુદી 33 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ સ્પર્ધાઓમાં 63 કોલેજોનાં 1098 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આજે કુલપતિ નીલાંબરી દવે અને ધારાસભ્ય દર્શીતા શાહની હાજરીમાં આ યુવક મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે પરીક્ષાઓ નજીક આવતી હોવાથી અને યુનિવર્સિટીની વેસ્ટ ઝોનની સ્પર્ધાઓ પૂર્ણ થઈ ચૂકી હોવાથી આ યુવક મહોત્સવનું આકર્ષણ ઘટ્યું છે. તો બીજી તરફ છાત્રાનું માનવું છે કે, પરિક્ષાનાં સમયે આવેલા યુવક મહોત્સવથી ખાસ કોઈ મુશ્કેલી પડી નથી.
7 સ્થળોએ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ નિલાંબરી દવેએવાતચીતમાં જણાવ્યું કે, આજે 51માં યુવક મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યુવક મહોત્સવને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ રસ લેતા શીખે તેવા આશય સાથે યોજાયેલા આ બે દિવસના મહોત્સવમાં જુદી જુદી 33 જેટલી સ્પર્ધાઓમાં કુલ 1098 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આવતીકાલે સુધી જુદા-જુદા 7 સ્થળોએ આ સ્પર્ધા યોજાશે અને ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. પરિક્ષાઓ નજીક આવતી હોવા છતાં વિધાર્થીઓને ગમતું ઇવેન્ટ હોવાથી તેઓ ઉત્સાહભેર જોડાયા છે.
યુવક મહોત્વમાં વિવિધ કલાકૃતિઓ
આ યુવક મહોત્સવમાં ભાગ લેનાર ખામટાની મહિલા કોલેજની વિદ્યાર્થીની ગોપી વસરાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુવક મહોત્સવમાં અલગ અલગ કલાકૃતિઓ દ્વારા છાત્રો પોતાની કલા રજૂ કરે છે. જેમાં શરૂઆતની સ્તુતિ તેમજ પ્રાચીન ગરબામાં ભાગ લીધો છે. હાલ પરિક્ષાઓ નજીક આવી રહી છે અને આ સમયે જ યુવક મહોત્સવ યોજાયો છે. છતાં અમારા અભ્યાસ કે પ્રેક્ટિસમાં તેની કોઈ અસર પડે તેમ નથી. કારણ કે, અમે અભ્યાસ અને પ્રેક્ટિસ બંનેને સાથે ન્યાય આપ્યો છે. યુવક મહોત્સવ માટે અમે ખૂબ સારી તૈયારી કરી છે.
યુવકમાં મહોત્સવમાં કોઈ મુશ્કેલી ન હોવાનો દાવો
ઉપલેટાની RP ભાલોડિયા મહિલા કોલેજની છાત્રા મેંદપરા આર્યાએ જણાવ્યું હતું કે, અમે લાંબા સમયથી યુનિવર્સિટીનાં આ યુવક મહોત્સવની રાહ જોતા હતા અને તૈયારીઓ કરતા હતા. મે પ્રાચીન ગરબાની સ્પર્ધામાં ભાગ લીધો છે. જ્યારે અમારા ગ્રુપની 25 બહેનોએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો છે. યુવક મહોત્સવનું આયોજન ખૂબ સરાહનીય છે અને આ માટે કુલપતિ સાહિતનાનો આભાર માનું છું. પરિક્ષાનાં સમયે આવેલ આ યુવક મહોત્સવથી ખાસ કોઈ મુશ્કેલી પડી નથી. અમે અભ્યાસનાં ટાઈમે અભ્યાસ અને પ્રેક્ટિસનાં સમયે પ્રેક્ટિસ કરી હોવાથી કોઈ મુશ્કેલી થઈ નથી.
યુવક મહોત્સવમાં અઢી લાખનો ખર્ચ
ઉલ્લેખનીય છે કે, ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટઝોનની સ્પર્ધા પૂર્ણ થયા બાદ વેસ્ટ ઝોનમાં આવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે અઢી લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ યુવક મહોત્સવમાં વિજેતા થનાર સ્પર્ધકો વેસ્ટ ઝોનની સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે. કારણકે આ સ્પર્ધા મહારાષ્ટ્રના નાગપુરમાં 22થી 26 જાન્યુઆરી દરમિયાન પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આ યુવક મહોત્સવમાં પરિક્ષાઓ સમયે અથાગ મહેનત કરનાર વિદ્યાર્થીઓને વેસ્ટ ઝોનની સ્પર્ધાનો લાભ મળી શકશે નહીં.