ઈન્ડોનેશિયાના માઉન્ટ રુઆંગ પર બુધવારથી સતત જ્વાળામુખી ફાટવાની ઘટના બની રહી છે. અહીં 24 કલાકમાં 5 વખત જ્વાળામુખી ફાટ્યો છે. ખતરાને જોતા રુઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા 11 હજાર લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ આગામી 24 કલાક માટે એરપોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જ્વાળામુખીમાંથી નીકળતા લાવાને કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. અલ જઝીરા અનુસાર, માઉન્ટ રુઆંગ પર પહેલો વિસ્ફોટ મંગળવારે (16 એપ્રિલ) રાત્રે 9:45 કલાકે થયો હતો.
જેના કારણે હજારો ફૂટ ઉંચો લાવા ઉછળ્યો છે અગાઉ 1871માં ઈન્ડોનેશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો જ્વાળામુખી ફાટ્યો હતો.
ઈન્ડોનેશિયામાં ડિઝાસ્ટર સેન્ટર એલર્ટ મોડ પર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે માઉન્ટ રુઆંગ નજીક તાજેતરમાં બે ભૂકંપ આવ્યા હતા. આ કારણે ટેકટોનિક પ્લેટ્સ અસ્થિર બની ગઈ, જેના કારણે જ્વાળામુખી ફાટી નીકળ્યો.
અધિકારીઓએ જણાવ્યું કે લોકોને બચાવવા માટે 20 બચાવકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અલજઝીરાના જણાવ્યા અનુસાર ઇન્ડોનેશિયાની જ્વાળામુખી એજન્સીએ ખતરાને જોતા લેવલ 4ની ચેતવણી જારી કરી છે. આ સિવાય જ્વાળામુખીની નજીકના 6 કિમી વિસ્તારને એક્સક્લુઝિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીના વડાએ જણાવ્યું હતું કે, “રુઆંગ જ્વાળામુખી ફાટ્યા બાદ રાખનો વાદળ આકાશમાં 2 કિમીની ઉંચાઈ સુધી ઉછળ્યો હતો. બીજા વિસ્ફોટ પછી આ ઊંચાઈ વધીને 2.5 કિમી થઈ ગઈ હતી.” અલ જઝીરા અનુસાર, ઈન્ડોનેશિયા ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવે છે. દેશમાં 120 સક્રિય જ્વાળામુખી છે.
આ સિવાય એરપોર્ટ ઓથોરિટીએ રતુલાંગી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. આ એરપોર્ટ પરથી ચીન, સિંગાપોર અને દક્ષિણ કોરિયાની ફ્લાઈટને અસર થઈ છે. જ્વાળામુખીની અસર પડોશી દેશ મલેશિયામાં પણ જોવા મળી રહી છે. મલેશિયાના કિનાબાલુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ મોડી પડી રહી છે.
આ પહેલા ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડોનેશિયાના મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. આ સમયગાળા દરમિયાન 11 પર્વતારોહકો મૃત્યુ પામ્યા હતા. 2,891 કિલોમીટરની ઊંચાઈએ આવેલા જ્વાળામુખીએ લગભગ 3 કિલોમીટરની ઊંચાઈએ રાખ ફેંકી દીધી હતી.
2018માં, ઇન્ડોનેશિયાના ક્રાકાટાઉ જ્વાળામુખીના વિસ્ફોટથી સુનામી આવી હતી જે સુમાત્રા અને જાવાના દરિયાકાંઠે અથડાઈ હતી જ્યારે પર્વતના કેટલાક ભાગો સમુદ્રમાં પડ્યા હતા, જેમાં 430 લોકો માર્યા ગયા હતા.