સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પલસાણા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર બની છે. જેને લઇને પલસાણાના બલેશ્વર ગામના નીચાણવાળા વિસ્તારોમાં ખાડીના પાણીમાં ઘૂસી ગયા છે અને 40 જેટલા ઘરો બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યારે બેટમાં ફેરવાયેલ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે સુરત શહેરની ખાડીઓ પણ બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે કુંભારીયા ગામના પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ થયા છે.
બત્રીસ ગંગા ખાડી બે કાંઠે થતા પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. મેઘરાજાના મેધતાંડવને લઈ તાલુકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને 40 જેટલા પરિવારોની સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી હતી. મહિલાઓ, બાળકોનું સ્થળાંતર કરાયું હતું સ્થાનિકોએ પણ તંત્રને સાથ સહકાર આપી જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ લઇને બહાર નીકળી ગયા હતા.
હાઇવે પર બનાવવામાં આવેલી પ્રોટેકશન વોલને કારણે પાણી ભરાઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાડીમાં પાણીનો નિકાલ થવો જોઈએ એ થઈ રહ્યો નથી. જેને લઈ ખાડી નજીક થયેલ એંક્રોચમેન્ટ દૂર કરવા લોકમાગ ઉઠી છે.
હાલના તબક્કે પલસાણા તાલુકાના બગુમરા તુંડી રોડ, બગુમરા બલેશ્વર રોડ તેમજ બારડોલી અને માંડવી તાલુકો મળી કુલ નવ જેટલાં ગામોમાં આવેલા નાના-મોટા પુલ તેમજ કોઝવે હાલ પાણીમાં ગરકાવ છે. હાલ બલેશ્વર બત્રીસ ગંગા ખાડીમાં પાણી ફરી વળતાં રોજિંદા કામ માટે કડોદરા સુરત જવા માટે 10થી 15 કિમીનો ફેરાવો કરવાની નોબત આવી છે.
સુરત જિલ્લામાં ત્રણ દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. માંગરોળ તાલુકાની કીમ નદી બે કાંઠે વહેતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને માછીમારો માછીમારી કરવા કીમ નદી ખાતે પહોંચ્યા હતા.
માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે પસાર થતી કીમ નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. જેને લઇને કીમ નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જો વધુ વરસાદ વરસે તો બોરસરા ખાતે હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થશે તેવી શક્યતાઓ છે. જો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થશે તો એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટી જશે. નવા નીરને લઇને હાલ કીમ નદી ખાતે માછીમારો માછીમારી કરવા પહોંચી ગયા છે. ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.
સુરતની ખાડીઓ હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે. માંડવી, કામરેજ ,પલસાણા, કડોદ સહિતનાં ગામોનાં પાણી પણ હવે સીધા ખાડીમાં આવવાનાં શરૂ થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાનું ધીરે ધીરે શરૂ થયું છે. સુરતના પુણા કુંભારિયા વિસ્તાર ખાડીની લગોલગ આવેલો છે. ખાડીના જળસ્તરમાં વધારો થતાંની સાથે જ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયાં હોવાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે. કુંભારિયા ગામના પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીનાં પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ખાડીની આસપાસ આ પ્રકારનાં દૃશ્યો દર ચોમાસા વખતે સામાન્ય બની ગયા છે. વહીવટી તંત્ર ભલે કહેતું હોય કે પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયા બાદ વાસ્તવિક પરિસ્થિતિનાં દૃશ્યો સામે આવતા કામગીરી ઉપર સ્વાભાવિક રીતે જ પ્રશ્ન સર્જાય છે.
કુંભારિયા વિસ્તારમાં પાણી ભરાવાનાં શરૂ થતાં સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા પાણીનો નિકાલ ઝડપથી થાય તેના માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પાણીનો નિકાલ કરવો ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ થતો હોવાને કારણે ખાડીનું જળસ્તર વધી રહ્યું છે અને બીજી તરફ જે વિસ્તારોમાં પાણી ભરાયાં છે, ત્યાંથી ઝડપથી પાણી નિકાલ કેવી રીતે કરવો તેને માટે માથામણ ચાલી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ બે કલાક સતત વરસાદ વરસતો રહેતો ખાડીની આસપાસના વિસ્તારોમાં વધુ પાણી ભરાઈ અને સ્થાનિક લોકોને સ્થળાંતર પણ કરવા પડે તેવી શક્યતા છે.
તો બીજી તરફ માંડવી અને કડોદ બાજુથી આવતા પાણીને કારણે ખાડીની જળસપાટી વધી ગઈ છે. સણિયા હેમાદ ગામમાં બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાયાં છે. સાથે જ લોકોનાં ઘરોમાં પણ પાણી ભરાવાનાં શરૂ થયાં હતાં. સણિયા ગામના લોકોનું કહેવું છે કે, વારંવાર કોર્પોરેશનમાં આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નિકાલ આવતો નથી. હાલ ગામમાં પાણીનું જળસ્તર છે, તેના કરતાં પણ વધુ પાણીનો ભરાવો બપોર બાદ જોવા મળી શકે છે. ઉપરવાસમાં વરસાદ વરસવાનો હજી પણ યથાવત્ છે.
સણિયા હેમાદમાં રહેતા સુરેશભાઈએ જણાવ્યું કે, ખાડીની સફાઈ માત્ર નાટક પૂરતું જ સીમિત હતું. જ્યાં ખરેખર સફાઈ કરવાની જરૂર હતી, ત્યાં મશીન દ્વારા કામગીરી કરવામાં આવી નથી. માત્ર અમુક વિસ્તાર પૂરતી જ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને લાખો રૂપિયાનું બિલ બનાવીને અધિકારીઓ અને નેતાઓ રૂપિયા ખાઈ ગયા છે. જે પાછળના ભાગમાં મુખ્ય ખાડીનો વિસ્તાર છે, ત્યાંથી કચરો દૂર થવો ખૂબ જરૂરી છે ત્યાં કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. તેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. અત્યારે જે પ્રકારે પાણીનું સ્તર વધી રહ્યું છે, તે જોતા મોડી રાત સુધીમાં પાંચથી છ ફૂટ જેટલાં પાણી ગામમાં ભરાઈ જાય તો નવાઈ નહીં.
સ્થાનિક રહેવાસી સંજય રામાનંદીએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સણિયા ગામમાં ખાડી સાફ કરવાનું મશીન રાખ્યું હતું. છતાં પણ જો પાણી ભરાયું હોય તો કેવી રીતે કામગીરી થઈ હશે, તે આપણે સમજી શકીએ છીએ. ખાડીમાં મશીન સફાઈ માટે ઉપયોગમાં લેવાયું તેના કરતાં વધુ સમય સુધી પડી રહ્યું હતું. લાખો રૂપિયાનું બિલ બનાવી દેવામાં આવ્યું હશે અને કાગળ ઉપર સફાઈ થઈ ગઈ હોવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હશે. પરંતુ વાસ્તવિકતા અત્યારે નજર સામે છે. ખાડીની કેટલી સફાઈ થઈ હશે તે અત્યારની સ્થિતિ જોતા સમજી શકાય છે. પાણીનો સતત ભરાવો વધી રહ્યો છે અને હજી પણ સ્થિતિ વધુ ખરાબ થશે.