ઓસ્ટ્રેલિયામાં એક 12 વર્ષની છોકરીને મગર ખાઈ ગયો. ઓસ્ટ્રેલિયન મીડિયા ABC અનુસાર, આ ઘટના પલુમ્પા વિસ્તારમાં બની હતી. યુવતી મંગળવારે બપોરે સ્વિમિંગ શીખવા ગઈ હતી. જ્યારે મોડી રાત સુધી યુવતીનો કોઈ પત્તો ન લાગતા પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે યુવતીને શોધવા માટે સ્થાનિક લોકોની મદદ લીધી હતી. આ માટે પોલીસે પાર્ક ઓપરેટર અને વન વિભાગની વિશેષ ટીમ બનાવી હતી. પોલીસને બુધવારે સાંજે સ્વિમિંગ પૂલ પાસે બાળકીના લોહીથી લથપથ કપડાં મળી આવ્યા હતા.
જે બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે ગુરુવારે સવારે સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું હતું. આ પછી થોડી દૂરથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓએ ગુરુવારે સવારે જ આ વિસ્તારમાં એક મગર જોયો હતો. આ પછી વન વિભાગની ટીમને સ્વિમિંગ પૂલ પાસે મગરની હાજરીના નિશાન મળ્યા, જેનાથી સ્પષ્ટ થયું કે બાળકીને મગર ખાઈ ગયો છે.
યુવતીના પરિવારના જણાવ્યા અનુસાર તેઓ રજાઓ ગાળવા માટે પલુમ્પામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેણે યુવતી માટે સ્વિમિંગ ક્લાસનું આયોજન કર્યું હતું. પલુમ્પાના મુખ્યમંત્રી ઈવા લોલેરે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે. તેમણે કહ્યું કે, લોકોને મગરથી બચાવવા માટે હજુ વધુ પગલાં લેવાના બાકી છે.
લોલરે કહ્યું કે, તેઓ આ માટે 4 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તરીય વિસ્તારમાં મગરોની વસ્તી વધી રહી છે. અમે આ થવા દઈ શકીએ નહીં. આપણે આને અટકાવવાની જરૂર છે.