News Updates
GUJARAT

 કોઠાસુઝ પ્રગતિશીલ ખેડૂત:’બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ’ તાલુકાકક્ષાનો મેળવી ચુક્યા છે, વઢવાણના ગુંદિયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જંતુનાશક દવાઓ પણ જાતે જ બનાવે છે

Spread the love

“પહેલા હું કપાસ, મગફળી, તલ, જુવાર,ઘઉં, ચીકુ અને જામફળ જેવા પાકની રાસાયણિક ખાતર અને દવા આધારિત ખેતી કરતો હતો. જૂની ઢબે ખેતી તથા મશીનરીના અભાવને કારણે ખેતી કાર્ય ખૂબ જ કઠિન પડતું હતું. નવી ટેકનોલોજીની સમજણના અભાવે આડેધડ ખેતી કરતો હતો. વધુ ઉત્પાદન માટે રસાયણિક ખાતરો અને દવાઓનો વધુ ઉપયોગ કર્યો તેમ છતાં મને સફળતા ન મળી. આજે હું છેલ્લા ચાર વર્ષથી નહિવત ખર્ચે દેશી ગાય આધારિત દેશી લીંબુની સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી, સારી આવક મેળવી રહ્યો છું.” પ્રાકૃતિક કૃષિના અનુભવો વર્ણવતા આ શબ્દો છે પ્રગતિશીલ ખેડૂતપુત્ર એવા રમેશભાઈ ગોહિલના.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામના વતની એવા પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ લાભુભાઈ ગોહિલ 10 એકર જમીનમાં દેશી લીંબુની દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, “પ્રાકૃતિક કૃષિ અંગે જિલ્લાનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા વિભાગ દ્વારા યોજાયેલ પ્રાકૃતિક કૃષિ સેમિનારમાં માર્ગદર્શન મેળવ્યું અને મારા ખેતરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું નક્કી કર્યું. આ માટે “આત્મા” કચેરી દ્વારા યોજાતી તાલીમમાં હું સહભાગી થયો. યોગ્ય તાલીમ મેળવી અને મારી 10 એકર જમીન ઉપર મુખ્ય પાક તરીકે 1300 જેટલા રોપાઓનું વાવેતર કર્યું. આંતરપાક તરીકે ચીકુ અને જામફળના રોપાઓનું વાવેતર કર્યું, જેથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે. લીંબુની બાગાયત ખેતી અપનાવી પાકમાં ડ્રીપ ઈરીગેશનથી જ પિયત આપું છું. દેશી ગાય આધારિત જીવામૃત, ઘનજીવામૃત, મિશ્રપાક પધ્ધતિ, આચ્છાદન, વાફ્સા જેવી પધ્ધતિ અપનાવવાથી લીંબુની ગુણવત્તામાં ખુબજ ફાયદો થયો. જમીનની ભૌતિક અને જૈવિક સ્થિતિમાં ફેરફાર થયો છે. વરસાદનું પાણી મારા ખેતર બહાર નીકળતું નથી. અસંખ્ય અળશિયાઓએ મારા ખેતરની જમીનને ફળદ્રુપ બનાવી છે.“

રમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, ધોળકા, ભાવનગર, દ્વારકા સહીતના જિલ્લાઓમાં પણ લીંબુનું વેચાણ કરી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી રાસાયણિક ખેતી ત્યજીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી પહેલાની સરખામણીએ ખુબ સારી આવક મેળવી રહ્યા છે. દેશી ચાર ગાયની મદદથી સફળ ખેતી કરી વર્ષે અંદાજીત રૂ. 10 લાખનો નફો મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. રમેશભાઈ રોગ-જીવાતના નિયંત્રણ માટે લીંબુ, ગૌમૂત્ર, લીમડો, આંકડો આધારિત જંતુનાશક દવા જાતે જ બનાવીને ખેતરમાં ઉપયોગ કરે છે. તેઓ RSOCAનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ પણ ધરાવે છે. રમેશભાઈને આત્મા ગુજરાત દ્વારા “બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ 2020-21” તેમજ સબ-મિશન ઓન એગ્રિકલચર એક્ષટેન્શન દ્વારા પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષકો ઝીરો બજેટવાળી ગાય આધારિત ખેતી અપનાવી બમણી આવક મેળવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ખેડૂતોને માર્ગદર્શનની સાથે સાથે તાલીમ પણ આપવામાં આવી રહી છે. આમ, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થતાં ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે.


Spread the love

Related posts

ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારી શરૂ, 25 લાખ લોકો ઊમટવાની શક્યતા પુરીમાં રથયાત્રા શરૂ, ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે

Team News Updates

હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ

Team News Updates

50 ઇંચ વરસાદ તૂટી પડ્યો માત્ર 5 દિવસમાં, બેટ બન્યું દ્વારકા

Team News Updates