સુરતમાં અકસ્માતોની વણઝાર થઈ હોય તેમ વરાછા મેઈન રોડ પર આવેલા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. રિક્ષાનું ટાયર નીકળી જતા પાછળ આવતા એસટી બસને ચાલકે તેને બચાવવા જતાં સુમુલ ડેરીનો ટેમ્પો અને ટેમ્પા પાછળ કાર અથડાઈ હતી. જોકે, આખા અકસ્માતની ઘટનામાં કોઈને ઈજા ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે અકસ્માતની ઘટનાથી બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસે હળવો કર્યો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની છે. ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. એસટી બસની પાછળ સુમુલ ડેરીનું દૂધ વાહન અને તેની પાછળ એક કાર અથડાય છે. મળતી વિગત પ્રમાણે પોદાર ચાર રસ્તાથી શરૂ થતા ઓવરબ્રિજ પર કાપોદ્રા પાસે અચાનક એક રીક્ષાનું ટાયર નીકળી ગયું હતું. જેથી, રીક્ષાની પાછળ ચાલતી એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારી હતી.
રિક્ષાચાલકને કોઈ ઇજાઓ ન પહોંચે તે માટે એસટી બસના ચાલકે બ્રેક મારી જેથી તેની પાછળ આવતા સુમુલ ડેરીનો ટેમ્પો બસ સાથે અથડાયો અને આ ટેમ્પા પાછળ આવતી કાર ટેમ્પા સાથે અથડાઈ હતી. પહેલા એસટી બસ એની પાછળ સુમુલ ડેરીનો ટેમ્પો અને તેની પાછળ એક કાર અથડાયેલી છે. સદનસીબે આ ગંભીર અકસ્માતની ઘટનામાં કોઈને પણ ઇજાઓ થઈ નથી.
એસટી બસમાં અંદાજે 30 જેટલા મુસાફરો સવાર હતા. જોકે, એસટી બસના ચાલકની સૂઝબૂઝથી કોઈને પણ ઇજાઓ થઈ નથી. આ એસટી બસ સુરત ડેપોથી બીલીમોરા-દાહોદ જઈ રહી હતી. આ સમગ્ર ઘટના બાદ બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે તાત્કાલિક પોલીસના જવાનો બ્રિજ પર પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી અને અકસ્માત સર્જેલા વાહનોને ખસેડવાની કામગીરી કરી હતી.