ભરૂચ જિલ્લામાં ફરી એક વાર ડ્રગસના કારોબારનો પર્દાફાશ થયો છે.ગુજરાત એ.ટી.એસ અને ભરૂચ એસઓજીએ દહેજના જોલવા GIDC માં આવેલી એલાયન્સ ફાર્મા કંપનીમાં દોરડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ અને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજના જોલવા જીઆઇડીસીમાં આવેલી એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એમ.ડી.ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
એટીએસએ આ રો મટીરીયલનો જથ્થો એફ.એસ. એલ.માં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે. આ મામલામાં NDPS એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખે-આખી ફેક્ટરી ઝડપાઈ હતી. જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે.
આ મામલે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમદાવાદ એટીએસ અને ભરૂચ એસઓજીએ દહેજના જોલવા જીઆઈડીસીમાં આવેલી એલાયન્સ કંપનીમાં દરોડા પાડીને કંપનીનો સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂત જે ડ્રગ્સ બનાવવામાં માહિર હોય તેને ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી રહી છે. ટીમે કરોડોનું હજારો લીટર પ્રવાહીનો જથ્થો પણ જપ્ત કર્યો છે.આ સાથે કંપનીને માલ સપ્લાય કરનાર અને ડ્રગ્સ બનાવનાર બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. જોકે આ સમગ્ર મમાલે એટીએસ અમદાવાદથી પ્રેસ કોંફરન્સ કરીને તમામ માહિતી આપે તેની રાહ જોવાઇ રહી છે.