News Updates
RAJKOT

સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે રાજકોટમાં દેશનું:મંદિરથી લઈ દવાખાના સુધી સુવિધા,300 કરોડના ખર્ચે 11 માળની 7 બિલ્ડિંગમાં 1400 રૂમ, 5100 વડીલોની નિઃશુલ્ક સેવા કરાશે

Spread the love

દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં નિર્માણ પામવા જઈ રહ્યું છે. જામનગર રોડ પરના રામપર ગામમાં 30 એકરની વિશાળ જગ્યામાં રૂ. 300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થઈ રહેલા આ સદભાવના વૃદ્ધાશ્રમમાં દેશભરમાથી નિરાધાર, અશકત, પથારીવશ, કોમામાં તેમજ ડાઈપર ઉપર રહેલા 5,100 વડીલોને આશરો મળી રહે તે માટે 1,400 રૂમો તૈયાર કરવામાં આવેલા છે.

11 માળની 7 બિલ્ડિંગમાં વડીલોને નિ:શુલ્ક ભોજન માટે અન્નપૂર્ણા ગૃહની સાથે મંદિર, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, કોમ્યુનિટી હોલ અને બાગ-બગીચા સહિતની તમામ સુવિધા ઊભી કરવામાં આવશે.

હિન્દુ ધર્મચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, સમાજની એક વરવી વાસ્તવિકતા એ છે કે કુટુંબ વિભાજીત થઈ રહ્યા છે અને માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવ તે લુપ્ત થતું જાય છે. જેથી શ્રમિક વર્ગમાં રહેલા નિરાધાર વડીલોની સેવા માટે આ વૃદ્ધાશ્રમ શરૂ કરવાનો આશય છે. જેથી આ ભારતનો સૌથી મોટો પ્રથમ એવો વૃદ્ધાશ્રમ હશે કે જે નિ:શુલ્ક હશે. જેથી તેના લાભાર્થે મોરારિ બાપુને કથા માટેનું કહેતા તેમણે ખૂબ જ પ્રેમથી અને સહજતાથી રામકથા કરવાનો ઉમળકો બતાવ્યો છે.

રાજકોટનો સમાજ સેવામાં સર્વશ્રેષ્ઠ છે તેવું વિશ્વને બતાવવા માટે આ વૈશ્વિક રામકથા બની રહેશે. જેમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નવા નિર્માણ પામી રહેલા વૃદ્ધાશ્રમની ખાસિયતો વર્ણવવામાં આવશે. વડીલોનો સેવાની સાથે અહીં વૃક્ષારોપણનો પણ ઉદ્દેશ છે, આગામી 2 વર્ષમા ભારતની કુલ વસ્તીના 1 ટકા એટ્લે કે 140 કરોડ લોકો સામે 1.40 કરોડ વૃક્ષોના વાવેતરનો ટાર્ગેટ છે.

સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાયેલા મિતલ ખેતાણીએ જણાવ્યું હતું કે, વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ, પરંતુ જેઓ નિ:સંતાન, નિરાધાર, પથારીવશ ઉપરાંત કોમામાં અને કેન્સરમાં જીવનના લાસ્ટ સ્ટેજમાં છે, તેઓનું કોણ? આ પ્રકારના ઉમદા અને પવિત્ર આશયથી 9 વર્ષ પહેલા રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ. હાલ નિરાધાર અને પથારીવશ 650 વડીલોની સેવા આ વૃદ્ધાશ્રમ કરી રહ્યું છે. જેમાં 200 વડીલો તો ડાઇપર પર છે, ત્યારે આ પ્રકારના વડીલોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સેવાનું ધામ ગણાતા રાજકોટમાં કોઈ વડીલને ના ન પાડવી પડે તે માટે રાજકોટનાં રામપરમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે.

જામનગર રોડ ઉપર રામપર ગામે 30 એકર જગ્યામાં રૂ. 300 કરોડનાં ખર્ચે નિર્માણ પામી રહ્યું છે. જેમાં 1400 જેટલાં રૂમ રાખવામાં આવેલા છે. જેમાં 5,100 વડીલોનો સમાવેશ થઈ શકશે. આગામી એપ્રિલ માસથી આ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ આપવાનું શરૂ થશે. જેમાં 11 માળના 7 બિલ્ડિંગ હશે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનિટી હોલ અને બાગ-બગીચા સહિતની તમામ સુવિધા વડીલોને આ પરિસરમાં મળી રહેશે.

દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમના લાભાર્થે મોરારિ બાપુ 12 વર્ષ બાદ વૈશ્વિક રામ કથા કરી રહ્યા છે. શહેરના રેસકોર્સ મેદાનમાં 21 નવેમ્બરથી તા. 1 ડિસેમ્બર સુધી રામકથા યોજાવાની છે. વડીલો અને વૃક્ષો માટે રામકથા યોજાશે. દેશભરમાં કોઈ પણ નિરાધાર વડીલો હોય તો તેઓ નિ:સંકોચ અમારો સંપર્ક કરી શકે છે. અમે ચરણસ્પર્શ કરીને આ વડીલોને આવકારશું. આ વડીલોને અમે અમારા મા-બાપની જેમ સાચવશું. આ વડીલોનો ભૂતકાળ ગમે તેટલી યાતનાઓમાં વીત્યો હોય, પરંતુ એક વખત તેઓ આ વૃદ્ધાશ્રમમાં આવશે, ત્યારબાદ હંમેશા ખુશીથી જીવશે અને તેમના જીવનમાં 5 વર્ષનો વધારો થાય તે રીતની સગવડ આ વડીલોને આપવામાં આવશે.

આ સદભાવના વૃદ્ધાશ્રમમાં લાઇબ્રેરીની સાથે હોસ્પિટલની સુવિધા પણ હશે. ઉપરાંત આ વૃદ્ધાશ્રમ ભવિષ્યમાં સદભાવના ધામ બને અને અહીં દરરોજ 25,000થી વધુ લોકો મુલાકાત લે તેવા અમારા પ્રયત્નો છે. લોકો માટે આ વૃદ્ધ તીર્થ બને. જેથી લોકોએ તન, મન, ધનની સાથે પોતાના સમયનું પણ દાન કરવું જોઈએ અને થોડો સમય આ વડીલો સાથે રહેવું જોઈએ. જેથી તેઓને એકલવાયાપણું ન અનુભવાય. દેશભરમાં અનેક વૃદ્ધાશ્રમો છે અને તે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ અમને એવો ખ્યાલ આવ્યો છે કે જે વડીલો લાસ્ટ સ્ટેજ ઉપર એટલે કે કોમામાં અને પથારીવસ છે તેઓનું કોઈ નથી. જેથી આ પ્રકારના વડીલો માટે નવું વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યું છે. જેથી દેશભરના કોઈપણ વૃદ્ધાશ્રમમાં આ પ્રકારના વડીલો હોય તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે. કારણકે, અહીં વડીલોની સારવાર માટે મેડિકલ અને પેરા મેડિકલની સુવિધાઓ હશે જ , તો સાથે ગુજરાતમાં પ્રથમ રાજકોટને મળેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની AIIMS હોસ્પિટલનો લાભ પણ આ વડીલોને સારવાર માટે મળી રહેશે.

  • રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પીપળીયા ભવન, વાગુદડ અને ન્યારા એમ 3 સ્થળોએ સદભાવના વૃદ્ધાશ્રમમાં 650 નિરાધાર વડીલોની સેવા કરવામાં આવે છે.
  • નાનામવા ચોક પાસે દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં પડતર કિંમતનો સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે લોકોને દવાઓ ઉપર 15%થી 60 % સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
  • જામનગર રોડ ઉપરના શ્વાન આશ્રમમાં બીમાર, અંધ, અપંગ અને લાચાર 150 શ્વાનોને આશ્રય આપવામાં આવે છે.
  • કાલાવડ રોડ ઉપર ખીરસરા અને દેવગામની ધાર પાસે રખડતા, લાચાર, બીમાર 1,600 બળદોને આશ્રય આપવામાં આવી રહ્યો છે.
  • ગુજરાતમાં 30 લાખથી વધુ વૃક્ષોનું પિંજરા સાથે વાવેતર થઈ ચૂક્યું છે, તેમ જ મિયાવાંકી જંગલોના માધ્યમથી 70 લાખ વૃક્ષો સાથે 400 ટેન્કર, 400 ટ્રેક્ટર અને 1,600 માણસોના પગારદાર સ્ટાફની મહેનતથી કરવામાં આવે છે.

આ વૃદ્ધાશ્રમના લાભાર્થે આગામી તારીખ 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી શહેરનાં રેસકોર્સ મેદાનમાં મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાશે. જેમાં દરરોજ 1 લાખથી વધુ લોકો ઊપસ્થિત રહેશે. જેમાં યોગગુરુ બાબા રામદેવ ઉપરાંત હરિદ્વારના ડૉ. ચિન્મયાનંદજી ખાસ ઉપસ્થિત રહેવાના છે. વૈશ્વિક રામકથામાં થેલેસેમિયા પીડિતોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાશે, તો લોકોને વ્યસન મુક્તિની સાથે દેહદાન, અંગદાન, ગૌ સેવા, જીવદયાના સંકલ્પ લેવડાવવામાં આવશે.

  • રેસકોર્સ મેદાનમાં મોરારિબાપુની 947મી રામકથા માટે શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના આશીર્વાદ મેળવાયા છે.
  • રામકથામાં યોગગુરુ બાબા રામદેવ અને હરિદ્વારના ડૉ. ચિન્મયાનંદજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી ઉપસ્થિત રહેવાના છે.
  • 9 દિવસ સુધી યોજાનારી વૈશ્વિક રામકથામાં દરરોજ 1 લાખ લોકો કથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
  • થેલેસેમિયા મુક્ત સમાજ બને તે માટે 25,000 લોકોનો રક્તદાન કેમ્પ યોજાશે
  • સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, આઈ સિક્યુરિટી અને વીમા કવચથી સુરક્ષિત રાખવામાં આવશે
  • વ્યસન મુક્તિ અભિયાનમાં હજારો લોકો વ્યસન મુક્ત બનશે
  • ચક્ષુદાન, દેહદાન, અંગદાન, શાકાહાર, ગૌસેવા અને જીવ દયાના સંકલ્પ પત્રો લોકો ભરશે
  • વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
  • અગાઉ રાજકોટમાં મોરારિબાપુની સૌપ્રથમ રામકથા 1976માં થઈ હતી. બાદમાં 1982, 1986 અને 1998માં માનસ મુદ્રિકા, 2007માં માનસ વાલ્મિકી અને 2012માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.

Spread the love

Related posts

રાજકોટમાં 18 સ્થળે ITનું મેગા સર્ચ ઓપરેશન:બિલ્ડરો બાદ સોની વેપારીઓ આવકવેરાની ઝપટે, જાણીતા રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સનાં ઘર-શોરૂમમાં દરોડા, અન્ય સોની વેપારીઓમાં ફફડાટ

Team News Updates

શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

Team News Updates

અડધી રાત્રે ગેસનો બાટલો સળગ્યો:રાજકોટના એક મકાનમાં અડધી રાતે આગ લાગતા અફરાતફરી મચી, ફાયર ફાઈટર જવાનોએ પાણીનો મારો ચલાવીને હાશકારો કરાવ્યો

Team News Updates