દેશમાં સેવન સિસ્ટર્સ તરીકે જાણીતાં પૂર્વોત્તર રાજ્યો અત્યાર સુધી અનેક કારણોસર દેશના મુખ્ય પ્રવાહથી અલગ માનવામાં આવતાં હતા પરંતુ, હવે આ રાજ્યો દેશના મુખ્ય પ્રવાહ સાથે આગળ વધી રહ્યાં છે. આજે વિશ્વ પ્રવાસન દિવસ છે ત્યારે દિવ્યભાસ્કરની ટીમ દેશના પોટેન્શિયલ પૂર્વોત્તર રાજ્ય આસામની મુલાકાતે આવી એક એવી ધરોહરની મુલાકાત કરી કે, જેને તાજેતરમાં જ જુલાઈ, 2024 દરમિયાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકેનું સન્માન મળ્યું છે. મોઈડમ્સ તરીકે જાણીતું આ સ્થળ ભારતમાં 43મી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. આસામ રાજ્યના પૂર્વ વિસ્તારમાં આવેલા શિવસાગર જિલ્લામાં આ સ્થળ આવેલું છે. શિવસાગરનું જૂનું નામ રંગપુર છે. વિશ્વભરમાંથી આ જગ્યાને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વના આસામમાં કુલ 3 હેરિટેજ સાઇટ આવેલ છે, જેમાં કાઝીરંગા નેશનલ પાર્ક, માનસ નેશનલ પાર્ક અને મોઇડમ્સનો સમાવેશ થાય છે.
અહોમ યુગમાં લોકો તેને શિવસાગર કહેતા ન હતા પરંતુ, તેઓ તેને રંગપુરથી ઓળખતા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, શહેરનું નામ રંગપુર રંગ ઘર પરથી પડયું હતું. મોઈડમ એ આસામના પ્રાચીન અહોમ વંશના રાજાઓ, રાણીઓ અને ઉમરાવોની સમાપિનું સ્થાન છે. 13થી 19મી સદીની શરૂઆત સુધી અહોમ લોકોએ આસામ પર શાસન કર્યું હતું. તેમના લાંબા શાસને રાજકીય અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત કરી અને આ પ્રદેશને આર્થિક સ્થિરતા અપાવી હતી, જેના કારણે વિવિધ વંશીય જૂથોને એક વહીવટ હેઠળ એક્સાથે લાવીને નવી રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિના ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં મદદ મળી હતી.
આસામના શિવસાગર જિલ્લાના ટુરિઝમ વિભાગમાં ગાઇડ તરીકે ફરજ બજાવતા માનસ ખલીતાએ જણાવ્યું હતું કે, આસામમાં આવેલ શિવસાગરમાં અલગ-અલગ 551 ફરવા લાયક સ્થળો છે તે પૈકીનું એક છે મોઈડમ્સ. મોઈડમ્સ તરીકે જાણીતું આ સ્થળ ભારતમાં 43મી વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. તાજેતરમાં જુલાઈ 2023માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકેનું સન્માન મળ્યું છે. મોઇડમ્સનું બિલ્ડીંગ કોઈ સિમેન્ટ કોંક્રીટથી નહિ પરંતુ અળદની દાળ, ચોખા, કાલા ચોખા, માછલી, ઈંડા અને સ્નેલ સેલ્સ મદદથી બનાવવામાં આવ્યું છે. આજે પણ જો કોઈ જગ્યાએ રીપેરીંગ કે સમારકામ કરવામાં આવે તો પણ તેમાં સિમેન્ટ કોંક્રીટ ઉપયોગ કરવામાં આવતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહોમ સામ્રાજ્ય સમયમાં મોઇડમ રંગપુર તરીકે ઓળખાતું હતું અને આ સમયે રાજા રંગપુરમાં પહેલા માળે બેસી સામેની તરફ નીચે મેદાનમાં થતા અતિ પ્રાચીન બિહુ ડાન્સ, હાથી અને આખલા યુધ્ધ તેમજ અન્ય-અન્ય અલગ કરતબો નિહાળતા હતા. રાજાએ દરેક ધર્મના લોકોને એક કરી એકતાનો સંદેશો આપી બધાને એક કરવા માટે રંગપૂર આસામના લોકોના ઘરમાં ખવાતી અલગ-અલગ વસ્તુઓ એકત્રિત કરી આ રંગપુર બનાવ્યું હતું. આજે પણ લોકો આ સ્થળ પર ફરવા માટે આવી આ હેરિટેજ સ્થળ વિશેની વિશેષતા જાણી આશ્ચર્યચકિત થઇ જાય છે.