25 મેના રોજ રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ થતાં 27 લોકો ભસ્મ થઈ ગયા હતા. જેમાં એક 24 વર્ષિય યુવક વિશ્વરાજસિંહ જશુભા જાડેજાનું ગેમ ઝોનમાં નોકરી મળ્યાના પ્રથમ દિવસે જ મોત મળ્યું હતું. ત્યારે હવે વિશ્વરાજસિંહના પરિવારમાં 12 દિવસમાં બીજો મોટો આઘાત થયો છે. વિશ્વરાજના પિતા દીકરાનું મૃત્યુ થતાં સતત દીકરાના નામનું રટણ કરતા હતા. તેથી તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન વિશ્વરાજના પિતાનું પણ મૃત્યુ નિપજ્યું છે.
રાજકોટ શહેરમાં થયેલા TRP અગ્નિકાંડમાં યુવાન દીકરાનું મોત નિપજતા આઘાતમાં રહેલા પિતાનું આજે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વિશ્વરાજસિંહના પિતા જશુભા હેમુભા જાડેજા છેલ્લા એક સપ્તાહથી દીકરાના આઘાતમાં રહેતા હતા. સતત દીકરાના નામનું રટણ કરતા હતા. આ દરમિયાન ગઈકાલે રાત્રીના તેમની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે 5.30 વાગ્યે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું.
જશુભા હેમુભા જાડેજાનું મૃત્યુ નિપજતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. કારણ કે માત્ર 12 દિવસમાં બે-બે સભ્યોના મોત નિપજ્યા છે જેમાં પુત્રના વિયોગમાં પિતાનું મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઉલ્લેખનીય છે કે 24 વર્ષીય વિશ્વરાજસિંહ જાડેજા TRP ગેમઝોનમાં નોકરીમાં રહ્યા હતા અને દુર્ઘટના બની એ દિવસે તેમની નોકરી પર ફરજનો પ્રથમ દિવસ હતો અને અગ્નિકાંડ સર્જાતા તેમનું આગ લાગતા મોત નીપજ્યું હતું.