વાગડ વિસ્તારમાં વ્યાપક બનેલી ખનીજ ચોરીની બુમરાડ વચ્ચે આખરે જિલ્લા વહીવટી તંત્રના આદેશ બાદ ભચાઉ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ફ્લાઈંગ સ્કોટડની ટિમ ખનીજ ચોરી ઉપર ત્રાટકી હતી. ફ્લાઈંગ સ્કોડ દ્વારા આ મામલે ગેરકાયદે ખનીજ પરિવહન કરતી 16 ટ્રકને લાકડીયા વિસ્તારમાંથી જ્યારે 2 ટ્રકને ગાગોદર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવી હતી. 18 ટ્રક અને ખનીજ સહિત કુલ રૂ 5 કરોડ 40 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી સંબધિત પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો છે. ટ્રક માલિકો સામે ખનીજ પરિવહન બાબતે કુલ રૂ 54 લાખ જેટલો દંડ ફટકારી વસુલાત માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે સામે આવેલી વિગતો મુજબ કચ્છ કલેકટર અમિત અરોરાના આદેશ મુજબ ભાચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ફ્લાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહ અને સાથેની તપાસ ટીમ દ્વારા ગત મોડી રાતે ભચાઉ તાલુકાના લાકડીયા – આડેસર હાઇવે પર ગેરકાયદે ખનિજ પ્રવૃતિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ અન્ય બે ટ્રકોને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતા ઝડપી પાડવામાં આવી હતી.
કુલ 18 ટ્રકોને ગેરકાયદે ખનિજ વહન બદલ સીઝ કરી આશરે રૂ 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ લાકડીયા તથા ગગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે. આ મામલે વાહન માલિકો પાસેથી કુલ મળી 54 લાખ રૂપિયાની દંડકિય વસુલાતની કામગીરી ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. અલબત્ત ખાણ ખનીજ વિભાગના બદલે વહીવટી તંત્રના સહકારથી ફ્લાઈંગ સ્કોર્ડ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી ઉપરના દરોડાથી વાગડ વિસ્તારમાં બેફામ ચોરીને અંજામ આફતા ખનીજ માફિયાઓમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે.