સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં પાણીના બોટલની ડિલિવરી કરવા માટે ગયેલા નરાધમે ઘરમાં એકલી સુતેલી બાળકીને જોઈને તેની ઉપર દાનત બગાડી હતી અને બાળકી પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી.
જોકે, બાળકી જાગી જતા નરાધમ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને નરાધમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઉંમરા વિસ્તારમાં રહેતા એક પરિવારની 12 વર્ષની દીકરી સવારે ઘરમાં સુતેલી હતી. જ્યારે તેણીના માતા બહાર પોતાની દુકાનમાં હાજર હતી. તે દરમિયાન આરોપી 22 વર્ષીય હીરાલાલ ગુર્જર ઘરમાં પાણીની બોટલ મુકવા માટે ગયો હતો.
આરોપીએ ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો ત્યારે બાળકી ઘરમાં એકલી સુતેલી હતી. બાળકીને એકલી અને ઊંઘમાં જોઈને નરાધમ હિરાલાલની દાનત બગડી હતી. તેને બાળકી સાથે બળાત્કાર ગુજારવાની કોશિશ કરી હતી. જોકે, બાળકી જાગી જતા અને બુમાબુમ કરતા નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જયારે આ ઘટનાને પગલે બાળકી બહુ જ ઘબરાય ગઈ હતી.
દુકાનમાંથી માતા પિતા ઘરમાં દોડી આવ્યા હતા. પોતાની દીકરી સાથે આ કૃત્ય થયું હોવાનું જાણવા મળતા તેઓ ચોકી ઊઠ્યા હતા. ત્યાર બાદ પરિવારજનો ઉંમરા પોલીસ મથકે પહોંચ્યા હતા. અને આ સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું અને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉંમરા પોલીસે આરોપી હીરાલાલ ગુર્જર વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.