લોરેન્સ બિશ્નોઈના કઝીન રમેશ બિશ્નોઈએ એક મોટો દાવો કર્યો છે. બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને સંડોવતા કાળીયાર કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટરની સાથે આખો બિશ્નોઈ સમુદાય ઊભો છે. રમેશે આરોપ લગાવ્યો હતો કે સલમાન ખાને બિશ્નોઈ સમુદાયને પૈસાની ઓફર કરી હતી, પરંતુ તેઓએ તેનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી.
NDTV સાથેની વાતચીતમાં લોરેન્સ બિશ્નોઈના કઝીન રમેશ બિશ્નોઈએ આ બાબતે ખુલાસો કર્યો હતો. તેને કહ્યું કે સલમાન ખાને પહેલા બિશ્નોઈ સમુદાયને પૈસાની ઓફર કરી હતી. તેના પિતા સલીમ ખાનને એમ હતું લોરેન્સ ગેંગ પૈસા માટે આવું કરી રહી છે. હું તેમને યાદ કરાવવા માંગુ છું કે તેમનો પુત્ર સમુદાય માટે ચેકબુક લાવ્યો હતો અને કોઈ પણ રકમ આપવા તૈયાર હતો. જો અમે પૈસાના ભૂખ્યા હોત, તો અમે તેને તરત જ લઈ લેતા.

લોરેન્સ બિશ્નોઈના કઝીને વધુમાં કહ્યું કે જ્યારે કાળીયારની ઘટના બની ત્યારે બિશ્નોઈ સમુદાયના દરેક સભ્યો ગુસ્સે હતા. દરેક બિશ્નોઈનું લોહી ઉકળતું હતું. અમે કોર્ટ પર નિર્ણય લેવાનું છોડી દીધું છે. પરંતુ જો સમાજની મજાક ઉડાવવામાં આવે તો સમાજમાં ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. રમેશે કહ્યું, આજે સમગ્ર બિશ્નોઈ સમુદાય આ મામલે લોરેન્સની સાથે છે.

- સલમાન પર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનના જંગલોમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતાં.
- ત્યારે બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી, જોકે બાદમાં તેમને આ કેસમાં જામીન મળી ગયા હતા. આ કારણે ગેંગસ્ટર લોરેન્સ સલમાન ખાનને મારવા માગે છે.
- દિલ્હી અને મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાની યોજના ઘડવા બદલ લોરેન્સના ઘણા સાગરીતોની ધરપકડ કરી છે. પરંતુ હજુ પણ લોરેન્સ તેના ગેંગસ્ટરોને કામે લગાડી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.