News Updates
SURAT

 3000 સુધી પહોંચી ડબલ સોફાની ટિકિટ સુરતથી સૌરાષ્ટ્ર-ઉ.ગુ. માટે,ગૃહ રાજ્યમંત્રી સહિતનાને રજૂઆત છતાં કાર્યવાહી નહિ

Spread the love

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રહેવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી દીધી છે. આ સૌરાષ્ટ્રવાસીઓ અને ઉત્તર ગુજરાત વાસીઓ સુરતના હીરા અને આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ક્યારે મોટી સંખ્યામાં દિવાળી વેકેશનમાં વતન પરત ફરતા હોય છે. સુરતના હીરા ઉદ્યોગની મંદીમાં બેવડ વળી ગયેલા રત્નકલાકારોને લક્ઝરી બસ સંચાલકો લૂંટી રહ્યાં હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. લક્ઝરીના ડબલ સોફા બોક્સનો ભાવ 3000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને વેકેશનમાં વતન જવા માટે થનગની રહેલાં રત્નકલાકારોને ડબલ ભાડા વસુલી ખંખેરી લેવાનું શરૂ કરી દેવાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સરકારી બસની અપૂરતી સંખ્યા સામે સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પેસેન્જરોને લઈ જવા લક્ઝરી બસનાં સંચાલકો બમણો ભાવ વસૂલી રહ્યા છે. ડબલના સોફામાં જ્યાં કેપેસિટી બે વ્યક્તિની છે, એમાં ચાર રત્નકલાકારો વ્યક્તિ દીઠ 1000 મળી કુલ 3000થી 4000 રૂપિયા ચૂકવી રહ્યાં છે. ઊના જવા માટે સિંગલનાં સોફાના સામાન્ય દિવસોમાં 800 રૂપિયા હોય છે, હાલ 1600 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. સામાન્ય દિવસોમાં જૂનાગઢ જવાનો ભાવ 650થી 700 રૂપિયા હોય છે, એના 1400 વસૂલવામાં આવી રહ્યાં છે. અમરેલીના 550નાં 1100 રૂપિયા, ભાવનગરના 500 રૂપિયા સામે 800થી 1000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, આ સમસ્યા નવી નથી, દર વર્ષે દિવાળીના થોડા દિવસો પૂર્વે ખાનગી, લક્ઝરી બસોના સંચાલકોની ઉઘાડી લૂંટ શરૂ થઈ જાય છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત મોટાભાગની ખાનગી લક્ઝરી બસોના ભાવો બમણાં કે ત્રણ ગણા સુધી થઈ જાય છે. વર્ષોવર્ષ રત્નકલાકારો, તેમના સંગઠનો દ્વારા સત્તાધીશોને ફરિયાદો થતી રહી છે, પરંતુ આ સમસ્યાનું હજુ સુધી યોગ્ય નિરાકરણ લાવી શકાયું નથી.

ખાસ કરીને હીરા ઉદ્યોગમાં હાલ ઘેરી મંદી ચાલી રહી છે. અનેક રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે, તો ઘણાં અડધા પગારે જેમતેમ ઘરનું ગાડું ચલાવી રહ્યાં છે. ત્યારે આવા વિપરીત સંજોગોમાં બેહાલ રત્નકલાકારોને લૂંટવાનું કાવતરૂં અસહ્ય બની રહ્યું છે. માત્ર હીરા ઉદ્યોગ જ નહીં, પરંતુ અન્ય કામ-ધંધા પણ મંદીને કારણે ઠપ્પ છે. ત્યારે સરકાર આ મુદ્દે તુરંત હસ્તક્ષેપ કરે અને ખાનગી, લક્ઝરી બસોના સંચાલકોની લૂંટ બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.

ડાયમંડ વર્કર યુનિયનનાં ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, જે રત્નકલાકારો પાસે કામ બચ્યું છે, એમને માંડ 15,000 જેટલો પગાર મળી રહ્યો છે. લક્ઝરી બસનો ઉપયોગ કરે તો એક પરિવારને 6000થી 6500 રૂપિયા તો વતને જવા-આવવાનો ખર્ચ થઈ શકે છે, ત્યારે આવા લોકો દિવાળી કઈ રીતે ઉજવશે, એવો પ્રશ્ન સર્જાયો છે.

વધુમાં જણાવ્યું છે કે, હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી હોવાના કારણે રત્નકલાકારો ભારે આર્થિક કટોકટીમાં કસાઈ ગયા છે. ત્યારે દિવાળી વેકેશન નિમિતે વતન જતા રત્નકલાકારો વધુમાં વધુ એસ.ટી બસનો ઉપયોગ કરે એવા પ્રયત્નો એસ.ટી વિભાગ સાથે સંકલન કરીને કરવામાં આવે તે જરૂરી છે. દર વર્ષે દિવાળી વેકેશનમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા વધારે ભાડું વસૂલવામાં આવે છે. આ વર્ષે હીરા ઉદ્યોગ છેલ્લા પાંચ દાયકાની સૌથી ભીષણ મંદીનો સામનો કરી રહ્યો છે.

આ મામલે વાહન વ્યવહાર મંત્રી, સુરત શહેર પોલીસ કમિશનર, કલેક્ટર અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરવા છતાં હજી સુધી એ બાબતે યોગ્ય કાર્યવાહી થઈ નથી. જો આ વખતે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો મંદીનાં માર સામે ઝઝૂમતા રત્નકલાકારોને ભારે આર્થિક તકલીફ ઊભી થશે, યુનિયન ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોનાં વિરોધી નથી, પણ વિક્ટ સ્થિતિમાં તહેવાર નિમિત્તે ડબલ ભાવનો ધંધો કરે એ યોગ્ય નથી.


Spread the love

Related posts

SURAT:રોડ પર વહી દારૂની નદી,24 લાખના દારૂનો પોલીસે નાશ કર્યો,સુરતમાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા

Team News Updates

SURAT: સુરતમાં ઓટોરિક્ષા ભડભડ બળીને ખાખ રોડ પર ,આગ લાગતાં અફરાતફરી

Team News Updates

SURAT:તાત્કાલિક ડ્રેજિંગ કરાવવાની માગ,સુરતના પુણાગામની ખાડીના કચરાના કારણે રોગચાળો ફેલાવાની દહેશત

Team News Updates