અમદાવાદ શહેરમાં ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે શહેરના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં આવેલી કોમ્પલેક્સમાં એક જ રાતમાં 9 દુકાનના તાળા તૂટ્યા હતા. જેમાંથી એક દુકાનમાંથી 20 હજાર રૂપિયાની કિંમતની ટેપની ચોરી થઈ છે. નવરંગપુરા પોલીસે આ ચોરીની ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે.
ચાંદલોડિયામાં રહેતા ધર્મેન્દ્ર નગરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ મીઠાખળીમાં વેનુ ગોપાલ કોમ્પલેક્સમાં દુકાન ધરાવે છે. તેમના પર તેમની બાજુના દુકાન માલિકનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની દુકાનનો નચૂકો તુટ્યો છે જેથી તેઓ દુકાને પહોંચ્યા હતા, ત્યારે દુકાનમાંથી એન્ડ્રોઇડ કંપનીના ચાર ટેપની ચોરી થઈ હતી. કુલ 20 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ ઉપરાંત તેમના જ કોમ્પલેક્સમાં અન્ય 8 દુકાનોના તાળા તૂટ્યા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અગાઉ 11 નવેમ્બરે પાલડીમાં રહેતા ઉમેશભાઈ શ્રીવાસ્તવની મીઠાખળી ખાતે આવેલા ઉર્વશી કોમ્પલેક્સના દુકાનમાં જ્યારે તેઓ ગયા ત્યારે દુકાનનો સામાન વેર વિખેર હતો અને કેસ કાઉન્ટરનું ડ્રોવર બહાર પડેલ હતું. જેમાંથી 60,000 રૂપિયા પણ ચોરી થયેલા હતા. બાજુની દુકાનમાં પણ 50,000 રૂપિયા ચોરી થયા હતા. આમ બે દુકાનમાંથી 1.10 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જે મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.