લાંબા સમય બાદ નરેશ પટેલ-જયેશ રાદડીયા વચ્ચે સમાધાનનું દ્રશ્ય દેખાતા વિરોધીઓનાં પેટમાં તેલ રેડાશે???
રાજકોટના ખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત ભવ્ય સમારોહમાં સામાજિક એકતા અને સૌહાર્દનું ઉમદા દૃશ્ય જોવા મળ્યું હતું. રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ પામેલા લેઉવા પટેલ સમાજના મંત્રીઓના સન્માન અર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. ભરત બોઘરાએ જણાવ્યું હતું કે ખોડલધામ આસ્થાનું કેન્દ્ર છે અને સમાજના શ્રેષ્ઠીઓ જ્યારે સફળતાના શિખરે પહોંચે છે ત્યારે તેમનો આ પવિત્ર સ્થાને સન્માન થાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમ કોઈ શક્તિપ્રદર્શન નહીં પરંતુ સમાજ દ્વારા આયોજિત એક સામાજિક આયોજન છે.
લેઉવા પાટીદાર સમાજના અગ્રણિ અને ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ખોડલધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું એ છે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયાનું પણ સામે આવ્યું છે. છેલ્લા લાંબા સમયથી બંને વચ્ચે કોલ્ડવૉર ચાલતી હોવાની ચર્ચા હતી. ઇફ્કો ચૂંટણી બાદ જયેશ રાદડિયાએ અનેક વખત નામ લીધા વગર સમાજના કેટલાક અગ્રણીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને રાજકારણ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવવાની ટકોર પણ કરી હતી.

ખોડલધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જયેશ રાદડિયાની હાજરી બાદ તમામ મતભેદો અને મનભેદો દૂર થયાની ચર્ચા હવે ખુલ્લેઆમ થઈ રહી છે, જે સમાજમાં એકતા અને સમરસતાનું સંકેત માનવામાં આવી રહી છે.

