ગુજરાતમાં કમોસમી વરસાદના માર બાદ હવે લોકોને ગરમીમાં સેકાવાનો વારો આવવાનો છે. વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. ગત સોમવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદનું 41.6 ડીગ્રી, રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે નાગરિકોએ શું કાળજી રાખવી એની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદનું તાપમાન 44 ડીગ્રીએ પહોંચવાની શક્યતા
વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. ગઈકાલે અમદાવાદમાં બપોરે 12 વાગ્યે જ ગરમીનો પારો 36 ડીગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. એક ખાનગી હવામાન વેબસાઇટના આંકડાઓ મુજબ, સાંજે 5.30 વાગ્યે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડીગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડીગ્રી નોંધાયું હતું. બપોરના 12થી 3ના ગાળામાં ગરમીનો પારો 3 ડીગ્રી વધ્યો હતો. બે દિવસમાં પારો 43થી 44 ડીગ્રીએ પહોંચવાની શક્યતા છે. સોમવારે સૌથી વધુ 42 ડીગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. પછી અમદાવાદ બીજા ક્રમે હતું. રાજકોટમાં 41.7 ડીગ્રી અને ગાંધીનગરમાં 41.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
7 દિવસમાં ગરમીથી તકલીફના 1151 કોલ
મેની શરૂઆતથી જ ગરમીનો પારો ઊંચકાતાં પ્રથમ સપ્તાહમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા 465 લોકોને પેટના દુ:ખાવા અને 304 લોકોને ચક્કર સાથે બેભાન થવાની તકલીફમાં સારવાર અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. 1થી 7 મે દરમિયાન 108 એમ્બ્યુલન્સને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મળીને ગરમીને કારણે પેટમાં દુખાવો, ડાયેરિયા-વોમિટિંગ સહિતના 1151 કોલ મળ્યા હતા.
અમદાવાદ મ્યુનિ.એ બહાર પાડેલી એડવાઇઝરી
મ્યુનિ.એ બહાર પાડેલી એડવાઇઝરીમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાને વિશેષ તકેદારી રાખવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને છાશ-પાણી જેવાં પ્રવાહી પીણાં વધુ પ્રમાણમાં લેવાની સલાહ અપાઈ છે. લૂ લાગે તો ચક્કર, સ્નાયુમાં દુખાવો, ઉબકાં, ઊલટી સહિતનાં લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચન કરાયું છે. મ્યુનિ. તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ બીઆરટીએસ અને એએમટીએસનાં કેટલાંક સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે.
પાણીની પરબો શરૂ કરવામાં આવશેઃ ડો. ભાવિન સોલંકી
આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ એએમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ORSનાં પેકેટ મૂકવામાં આવ્યાં છે. આ સાથે પાણીની પરબો પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે શક્ય બને ત્યાં સુધી બપોરે ઘરમાં રહેવું અને બને એટલું પ્રવાહી લેવું જોઈએ. જે લોકો એરકન્ડિશન ઓફિસ અને જગ્યામાં બેસીને કામ કરે છે અને જો તેમને અચાનક બહાર જવાનું થાય તો તેમના હીટ સ્ટ્રોક લાગવાની શક્યતા વધુ રહે છે. દિવસ દરમિયાન અતિશય માથાનો દુખાવો, નબળાઈ અને શરીરમાં કળતર વગેરે થાય તો તેમણે આરામ કરવો ખૂબ જ જરૂરી છે અને ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.
રાજકોટમાં ગરમી વધી, મહત્તમ તાપમાન 41.7 ડીગ્રી
રાજકોટમાં ગઈકાલે ગરમીનો પારો વધ્યો હતો અને મહત્તમ તાપમાન 41.7 ડીગ્રીએ પહોંચ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હજુ તાપમાન વધશે તેમજ 43 ડીગ્રી ઉપર જવાની સંભાવના છે. ગઈકાલે સોમવારે આખો દિવસ તડકો રહ્યો હતો અને વાતાવરણમાં કોઈ બદલાવ આવ્યો નહોતો. પવનની ઝડપ રહેતાં લૂ અને આકરો તાપ બન્ને એકસાથે અનુભવાયા હતા. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં મહત્તમ તાપમાન વધ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરમાં 42, દ્વારકામાં 31.6, ઓખા 33.4, પોરબંદર 34.4, વેરાવળ 32.2 અને કેશોદમાં 37.7 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
સુરતમાં 4 દિવસમાં પારો 5 ડીગ્રી વધી 43 સુધી જઈ શકે
સુરતમાં મહત્તમ તાપમાનમાં 1.2 ડીગ્રીના વધારા સાથે ગરમીનું જોર વધ્યું છે. 10થી 13 મે વચ્ચે પારો 40થી 43 ડીગ્રી સુધી જવાની સંભાવના છે, જેથી શહેરીજનોને આકરા તાપનો સામનો કરવો પડી શકે છે. હાલમાં દરિયાઇ પવનને લઇ પારો સરેરાશથી નીચે રહ્યો હતો. જોકે આગામી દિવસોમાં ઉત્તરનો પવન સક્રિય થતાં ગરમી વધશે. જ્યારે રાત્રિનું તાપમાન 1 ડીગ્રી સુધી વધવાની શક્યતા જોવાઈ રહી છે.
આજથી 4 દિવસ સુધી પારો 40 ડીગ્રી ઉપર રહેશે
ગત સોમવારે મહત્તમ તાપમાન 36 ડીગ્રી અને લઘુતમ 27.4 ડીગ્રી નોંધાયું હતું. આજે રવિવાર કરતાં મહત્તમમાં 1.2 ડીગ્રીનો વધારો અને લઘુતમમાં સામાન્ય વધારો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 54 ટકા નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 7 કિમીની ગતિએ પવન ફૂંકાયો હતો. આજથી 4 દિવસ સુધી પારો 40 ડીગ્રી ઉપર રહેશે, ત્યાર બાદ ઘટશે. 14મીથી મહત્તમ તાપમાન ગગડીને 35થી 36 ડીગ્રી સુધી ઊતરી જવાની પણ શક્યતા છે.
ગરમીથી બચવા આ કાળજી રાખવા અપીલ
- વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
- લાંબા સમય સુધી તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં.
- ઠંડકવાળાં સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
- નાનાં બાળકો-વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.
અતિશય ગરમીને લીધે લૂ (હીટ સ્ટ્રોક) લાગવાનાં લક્ષણો
- ગરમીની અળાઈઓ નીકળવી.
- ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
- માથાનો દુખાવો, ચક્કર આવવા.
- ચામડી લાલ-સૂકી અને ગરમ થઇ જવી.
- સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
- ઉબકા અને ઊલટી થવી.