આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂણ થઈ છે. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના 197 કેન્દ્રો પરથી 57000 જેટલા વિદ્યાર્થીએ આ પરીક્ષા આપી હતી. આ સમગ્ર પરીક્ષાનાં સંચાલનને લઈને પરિક્ષાર્થીઓએ હસમુખ પટેલની વ્યવસ્થાનાં વખાણ કર્યા હતા. આ સાથે દિવ્યાંગ ઉમેદવારે જણાવ્યું હતું કે, પેપર થોડું લાંબું હતું, સમય ઘટ્યો પણ પેપર સારું રહ્યું છે. આ સાથે બેઠક વ્યવસ્થા ત્રીજા માળે હોવાથી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષાનું રિઝલ્ટ આપવાની અમારી નેમ છે.

ઘણા છાત્રોને બસની રાહ જોઇને બેસી રહેવાની ફરજ પડી
રાજકોટમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બહારગામથી આવેલા તમામ ઉમેદવારોએ વતન ભણી દોટ મૂકી હતી. જેને કારણે બસપોર્ટની અંદર અને બહાર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓનો મોટો પ્રવાહ બસપોર્ટ ખાતે પહોંચતા ત્યાંના સિક્યુરિટી સ્ટાફ માટે કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે બસપોર્ટની અંદર આવ્યા બાદ છાત્રોને કોઈ મુશ્કેલી પડે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યાનાં પ્રમાણમાં બસો ઓછી હોવાને કારણે ઘણા છાત્રોએ બસની રાહ જોઇને બેસી રહેવાની ફરજ પડી હતી.
બેઠક વ્યવસ્થા ત્રીજા માળે હોવાથી તકલીફ પડી: પ્રકાશ
આ તકે બસપોર્ટ ખાતેથી દિવ્યાંગ પરિક્ષાર્થી પ્રકાશ બાવળીયાએ જણાવ્યું હતું કે, હું જસદણ ખાતેથી પરીક્ષા આપવા આવ્યો હતો. એકંદરે આ પેપર તો સરળ હતું. થોડું લેન્ધી હતું, છતાં તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા ખૂબ સારી હતી. જોકે વાહનવ્યવહાર નિગમે કરેલી વ્યવસ્થા અપૂરતી છે. સંખ્યાના પ્રમાણમાં વાહનો ઓછા હોવાથી મારા જેવા દિવ્યાંગ ઉમેદવારોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમની બેઠક વ્યવસ્થા ત્રીજા માળે હોવાથી તેમાં પણ તકલીફ સહન કરવી પડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.