ઉનાળુ વેકેશન પૂર્વે રાજકોટની હવાઇ સેવામાં મુંબઇ, દિલ્હી, ગોવા, બેંગ્લોરની ફલાઇટો મુસાફરોનો ધસારો જોવા મળતા ગત એપ્રિલ માસમાં રાજકોટ એરપોર્ટમાં 65023 મુસાફરો સાથે 513 જેટલી ફલાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં દ્વારકા, સોમનાથ, ગીર સફારી પાર્ક પર્યટન સ્થળોએ જવા મુસાફરોએ હવાઇ સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત સ્થાનિક વેપાર-ધંધા-રોજગારને પણ હવાઇ સેવાનો મોટો લાભ મળ્યો હતો.
એર ઇન્ડીયાએ હવાઇ સેવામાં વધારો કર્યો
પ્રાપ્ત વિગત મુજબ એપ્રિલ માસમાં અન્ય રાજયોમાંથી ટુરીસ્ટો સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ, ગીર સફારી પાર્ક, ગિરનાર રોપ-વે (જુનાગઢ) જેવા પર્યટકોએ સ્થળોએ જવા માટે રાજકોટ એરપોર્ટની હવાઇ સેવાનો લાભ લેતા રાજકોટ એરપોર્ટ મુસાફરોના ટ્રાફિકથી ધમધમી ઉઠયું હતું. તા. 1લી એપ્રિલથી તા.30થી એપ્રિલ સુધીમાં 513 જેટલી ફલાઇટ આવાગમનમાં 65023 મુસાફરો નોંધાયા છે. એપ્રિલમાં સ્પાઇસ જેટ એર લાયન્સ કંપનીએ રાજકોટ સેકટર બંધ કરતા ઇન્ડીગો અને એર ઇન્ડીયાએ હવાઇ સેવામાં વધારો કર્યો છે.
વેપાર ધંધામાં ફાયદો થયો
જોકે ગત એપ્રિલમાં ઇન્ડીગોએ મુંબઇની વધુ ફલાઇટ ઓપરેટ કરી હતી. જયારે મે માસના ચાલુ સપ્તાહમાં એર ઇન્ડીયાએ પણ મુંબઇની ફલાઇટનો ઉમેરો કર્યો છે. રાજકોટ એરપોર્ટ અન્ય રાજયનાં પ્રવાસીઓ માટે ખાસ ઉપયોગી નિવડયું છે. બીજીતરફ રાજકોટ સ્પેરપાર્ટસનું હબ હોવાથી વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો અને નાના મોટા વેપારીઓને પણ હવાઇ સેવાથી વેપાર ધંધામાં ખૂબ સારો ફાયદો મળ્યો હતો.