તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 63% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આગામી જુલાઈ-માસમાં રિપીટર વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પૂરક પરીક્ષામાં બે વિષયને બદલે ત્રણ વિષયની પરીક્ષા લેવામાં આવે તેવી માંગ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ
ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ પ્રકાશ કરમચંદાણીએ જણાવ્યુ હતું કે, આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ખુબ ઓછું આવ્યું છે. જેમાં હવે આગામી જુલાઈ માસમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પુરક પરીક્ષામાં બે વિષયને બદલે ત્રણ વિષયની પરીક્ષા લેવામાં આવે તેવી અમારી માંગણી છે. અંદાજીત 17000થી પણ વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના મુખ્ય ત્રણેય વિષયમાં ઉત્તીર્ણ થયા નથી. તેઓનું અત્યંત અગત્યનું વર્ષ તેમજ કારકિર્દી બગડે નહીં માટે અમારી આ શિક્ષણ વિભાગને રજૂઆત છે.
વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ જ નહોતો
તેમને વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2022/23માં જે વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હતા, તેઓ એ માર્ચ 2023માં બોર્ડની પરીક્ષાનો ડર રાખી માનસિક તણાવમાં આપી હતી. કારણ કે, આ બધા જ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ જ ન હતો. તેઓ મે 2021માં કોરોના મહામારીને કારણે ધોરણ 10માં સામૂહિક રીતે ઉત્તીર્ણ જાહેર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેઓએ શૈક્ષણિક વર્ષ 2020/21માં ધોરણ 10માં માત્ર 70% જ અભ્યાસ ક્રમનો અભ્યાસ કર્યો હતો અને બાકીનો 30% અભ્યાસ ક્રમ કે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પાયો કહી શકાય તેના અભ્યાસથી વંચિત રહી ગયા હતા. તેની અસર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞ શિક્ષકોએ પ્રત્યક્ષ નિહાળી છે અને અનુભવી છે.
વિદ્યાર્થીઓના હીતમાં નિર્ણય લેવા અપીલ
ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની જુલાઈની પૂરક પરીક્ષા માટે ભાર અને ભાવ પૂર્વકની વિનંતિ છે કે આ બાબતે વિદ્યાર્થીઓના ભાવિને હીત માટે યોગ્ય નિર્ણય લે. જુલાઈમાં 2ને બદલે 3 વિષયની પુરક પરીક્ષા રાખીને વિદ્યાર્થીઓનું એક વર્ષ બચાવીને ભાવી ઉજ્જવળ બનાવશો.