રાજકોટમાં આજે લાગણીસભર દૃશ્યો સર્જાયા, જ્યાં અનાથ બાળકોનો ઉછેર કરતા કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ખાતેથી NRI દંપતીએ ‘તન્મય’ નામની દીકરીને દત્તક લીધી હતી. જે બાદ દીકરી જયારે આશ્રમમ પોતાની અંતિમ સ્પીચ આપી રહી હતી ત્યારે ‘આજે મને માં-બાપ મળ્યા..’ બોલતા દીકરી રડી પડી હતી. આ સાથે ત્યાં હાજર સૌ ભાવુક થઇ ગયા હતા. નોંધનીય છે કે પરિવાર સાથે હવે દીકરી અમેરિકા સ્થાયી થશે
114 વર્ષથી બાલાશ્રમ કાર્યરત
સંતાન સુખ વિશ્વનું સર્વશ્રેષ્ઠ સુખ છે. આર્થિક રીતે સધ્ધર કુટુંબો પણ બાળક માટે તડપતા હોય છે અને અનાથ બાળકો પણ મા-બાપના પ્રેમ માટે વલખા મારતા હોય છે ત્યારે નિરાશ્રીત બાળકોનો છેલ્લા 114 વર્ષથી કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ ઉછેર કરી રહ્યું છે. જે બાળક ઈચ્છતા મા-બાપ અને માતા-પિતાનો પ્રેમ ઝંખતા અનાથ બાળકોનું મિલન કરાવે છે.
શ્રીવાસ્તવ પરિવારે દતક લીધી
આજે વધુ એક દીકરીને મૂળ બિહારના અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલ શ્રીવાસ્તવ પરિવારે દતક લીધેલ છે. બાલાશ્રમમાં છેલ્લા 4 વર્ષથી રહેતી 12 વર્ષની દીકરી તન્મયને આજે નવો પરિવાર મળતા તે ખુશી અનુભવતી હતી જો કે જેમને અત્યાર સુધી માતા પિતા અને પરિવાર બની સંભાળ લીધી તેમજ આજે માતા પિતા શોધી આપવા બાબતે બાલાશ્રમ પરિવારનો આભાર માન્યો હતો આ સમયે દીકરી રડી પડી હતી અને તેની આંખમાંથી આશું સરી પડ્યા હતા.
600 જેટલા બાળકો વિદેશમાં છે
બાલાશ્રમ સંસ્થાના પ્રમુખ હરેશ વોરાએ જણાવ્યું હતું કે, બાલશ્રમમાં રહેલી 12 વર્ષની દીકરી તન્મયને આજે મૂળ બિહારના અને વર્ષોથી અમેરિકા રહેતા શ્રીવાસ્તવ પરિવારે દત્તક લીધી છે. અત્યારસુધીમાં સંસ્થા દ્વારા 1100થી વધુ બાળકો દત્તક આપવામાં આવ્યા છે અને તેમાંથી 600 જેટલા બાળકો વિદેશમાં જુદા જુદા દેશોમાં દત્તક આપવામાં આવ્યા છે અને 75 જેટલા બાળકો એકલા ઇટલીમાં દત્તક આપવામાં આવ્યા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, લોકો એવું માનતા હોય છે કે બાલાશ્રમ આવતા બાળકો બિચારા હોય છે પરંતુ એ બિચારું નહિ પણ બીજા કરતા સારા નસીબ લઇ ને આવે છે અને તેઓ તેમનું ભવિષ્ય વિદેશમાં જઇ ને પણ બનાવી રહ્યા છે.
પુત્ર ગુગલમાં જોબ કરે છે
જયારે અમેરિકાથી રાજકોટ દીકરીને દત્તક લેવા આવેલ રમેશ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, હું અમેરિકામાં કોમ્યુટર સાયન્સ આઇટી કંપનીમાં જોબ કરું છું. મારે પરિવારમાં મારા પત્ની છે. જે શિક્ષિકા તરીકે નોકરી કરે છે અને એક પુત્ર છે જે ગુગલ કંપનીમાં જોબ કરે છે. આજે અમારા પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થયો છે. એક દીકરીની આશા હતી એ દીકરી આજે મળી જતા અમે ખુબ ખુશ છીએ. આજના સમયમાં દીકરીઓ ખુબ આગળ વધી રહી છે દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રહ્યો નથી આજે દીકરી પાયલોટ બને છે ડોક્ટર બને છે એન્જીનીયર બને છે એમ અમારી દીકરી તન્મય જેનું નામ અમે આહના રાખ્યું છે તે આગળ જે ભણવું હશે તે ભણાવીશું અને એમના સ્વપ્ન પુરા કરીશું..
મારે દીકરી જોઈતી હતી
જયારે દીકરીના માતા શિવાનીબેન શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે,મારે દીકરી જોઈતી હતી ખુબ ઈચ્છા હતી કે ઘરમાં એક દીકરી આવે દીકરી વગર પરિવાર અધૂરો હતો આજે દીકરી તન્મય આવતા પરિવાર સંપૂર્ણ થયો છે. સાથે સાથે દીકરી તન્મય પણ તેમના નવા પરિવાર સાથે નવી જિંદગીની શરૂઆત અમેરિકામાં કરવા જય રહી છે જેથી ખુશ જોવા મળી રહી છે. જો કે દીકરી તેમના અત્યાર સુધીના બાલાશ્રમના પરિવારને ખુબ યાદ કરશે તેવું જણાવ્યું હતું.. એક ક્ષણ એવી પણ આવી કે આખરી વખત બાલાશ્રમના તેમના સાથી મિત્રો અને ભાઈ બેનની સામે વાત કરવા ઉભા થતા રડી પડી હતી અને બાલાશ્રમ પરિવારે મને ખુબ સાચવી છે અને નવો પરિવાર શોધી આપવા આભાર વ્યક્ત કર્યો હતો. આ અશ્રુભીની આંખો દીકરીનો બાલાશ્રમ પ્રત્યેનો પ્રેમભાવ વ્યક્ત કરતો હતો.
ફોલોઅપ રીપોર્ટ મોકલવાનો રહે છે
બાળકને દતક લીધા પછી 3 વર્ષ સુધી દર 3 મહિને સંસ્થાને ફોલોઅપ રીપોર્ટ આપવાનો રહે છે. ફોલોઅપ રીપોર્ટમાં બાળકની ઊંચાઈ, વજન, અભ્યાસ, હેલ્થ અને ફોટા મોકલવાના રહે છે. પછીના 3 વર્ષ દરમ્યાન વર્ષમાં એકવાર ફોલોઅપ રીપોર્ટ મોકલવાના રહે છે અને સોશિયલ વર્કર તે બાળકનું વર્ષ દરમ્યાન ફીઝીકલ વેરીફીકેશન કરે છે.
બાળકો દતકપાત્ર નથી હોતા
ઉલ્લેખનીય છે કે જે બાળકોના વાલી હયાત હોય તે બાળકો દતકપાત્ર હોતા નથી. સરેરાશ દર વર્ષે આ સંસ્થામાં 15 થી 20 નિરાશ્રીત બાળકો આવતા હોય છે. જેમાં 3થી 4 બાળકો નાના હોય છે જેથી તેને ઘોડીયાઘરમાં રાખવામાં આવતા હોય છે.