સૌરાષ્ટ્રમાં IAS-IPS બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ક્લાસની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના UPSC ભવનમાં આગામી જુલાઈ માસથી વર્ગો શરૂ કરવામાં આવશે. જેમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ એન્ટ્રન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ પાસ કરવાનું રહેશે. જે બાદ મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર સિવિલ સર્વિસ સાથે જોડાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને IAS-IPS બનાવવા માટે 2019થી સુજીયો UPSC ભવન કાર્યરત છે. આગામી જુલાઈ મહિનાથી ક્લાસ શરૂ કરવામાં આવશે. જે વર્ગોમાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ WWW. SUJIOUPSC.IN પર તારીખ 10 જૂન સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે, ત્યારબાદ સંભવતઃ તારીખ 30મી જૂને વર્ગોમાં પ્રવેશ મેળવવા માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લઈ નિઃશુલ્ક વર્ગો માટે પસંદગી કરવામાં આવશે.
જુલાઈ મહિનામાં સંભવતઃ વર્ગોની શરૂઆત કરવામાં આવશે. આ વર્ગોમાં દિલ્હીથી UPSC તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવશે. આ સેન્ટરમાં વિદ્યાર્થીઓને વાંચવા માટે પુસ્તકાલયની તેમજ ફ્રી વાઈફાઈની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે વિદ્યાર્થીઓ માટે દરરોજ સતત 14 કલાક કાર્યરત રહે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી છેલ્લા 4 વર્ષમાં ભવનના 17 વિદ્યાર્થીઓ UPSC પ્રિલિમ પરીક્ષા અને 2 વિદ્યાર્થીઓ UPSC ઈન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યુ છે અને હાલ ગુજરાત અને ભારત સરકાર અંતર્ગત કુલ 75થી વધુ વિદ્યાર્થીઓ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે.