સુરત બાદ હવે રાજકોટ પણ બ્રિજનગરી તરીકે ઓળખાશે અને બ્રિજ સિટી તરફ રાજકોટ શહેર પણ આગેકૂચ કરી રહ્યું છે. તાજેતરમાં 129 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ ડબલ ડેકર બ્રિજનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં વધુ એક બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. શહેરના પ્રવેશદ્વાર સમા માધાપર ચોક ખાતે રાજકોટ જામનગર હાઇવે જોડતા માર્ગ પર 60 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા ઓવરબ્રિજની કામગીરી મહદંશે પૂર્ણ થતાં હવે સપ્ટેમ્બર મહિનામાં લોકાર્પણ કરી ખુલ્લો મૂકવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંતિમ તબક્કાની કામગીરી ચાલુ
રાજકોટ શહેરના પ્રવેશદ્વાર સમા માધાપર ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુમાં છે, જેની મોટાભાગની કામગીરી પરિપૂર્ણ થઇ ચૂકી છે. જે અંતિમ તબક્કાનું કામ બાકી છે, તેને આગામી સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પૂર્ણ કરી વાહનચાલકોની સુવિધા માટે આ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા રાજકોટ-અમદાવાદ તેમજ રાજકોટ-જામનગર અને રાજકોટ-મોરબી તરફ આવતા-જતા લાખો વાહનચાલકોને ફાયદો થશે અને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
15 મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની શરત હતી
રાજકોટની માધાપર ચોકડી જામનગર, અમદાવાદ અને મોરબીથી આવતા વાહનચાલકો માટેનું પ્રવેશદ્વાર છે. અહીંથી દરરોજ જામનગર, મોરબી અને અમદાવાદ તરફ હજારોની સંખ્યામાં વાહનો પસાર થઇ રહ્યાં છે, જેને ઘ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરથી જામનગર રોડ તરફ ઓવરબ્રિજ, જ્યારે 150 ફૂટ રિંગરોડથી મોરબી-અમદાવાદ હાઇવે તરફ અંડરબ્રિજ બનાવવાનો પ્લાન તૈયાર કરાયો હતો. આ માટે ઓક્ટોબર 2020માં સી.આર.પી.ઇન્ફ્રા નામની કંપનીને 64 કરોડ રૂપિયા ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટની શરત પ્રમાણે 15 મહિનામાં બ્રિજ પૂર્ણ કરી દેવાની શરત હતી, પરંતુ આઠ મહિના સુધી કામ શરૂ જ કરવામાં આવ્યું ન હતું.
હવે સપ્ટેમ્બરમાં બ્રિજનું લોકાર્પણ
રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર કંપનીને સમય આપવામાં આવ્યો અને અંતે એપ્રિલ 2023માં મુદત પૂર્ણ થવા છતાં બ્રિજ તૈયાર થયો નહીં. જેના કારણે ખાસ રાહદારીઓ અને દરરોજ રાજકોટથી બહાર ઔદ્યોગિક વિસ્તારમાં જતા ઉદ્યોગકારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જો કે, હવે તેઓની પરેશાનીનો અંત નજીકના સમયમાં આવશે અને સપ્ટેમ્બર મહિનામાં બ્રિજનું લોકાર્પણ કરી, આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
જમીન સંપાદનની સમસ્યા હતી
માર્ગ મકાન વિભાગના અધિકારીઓનો દાવો છે કે, આ બ્રિજ તૈયાર થવાના વિલંબ પાછળ ટ્રાફિકની સમસ્યા મુખ્ય છે. આ વિસ્તારમાં ટ્રાફિક વધારે હોવાને કારણે કામગીરીમાં હાલાકી પડી રહી હતી. આ ઉપરાંત આસપાસમાં આવેલી જમીન સંપાદનનો પ્રશ્ન વિકટ હતો, જેના કારણે ઓવરબ્રિજ તૈયાર કરવામાં વિલંબ થઇ રહ્યો છે.
આગામી સમયમાં બીજા તબક્કાની કામગીરી શરૂ થશે
ઉલ્લેખનીય છે કે, પ્રવેશદ્વાર સમા માધાપર ચોક ખાતે બ્રિજનો બીજો તબક્કો 150 ફૂટ રિંગરોડથી મોરબી રોડ તરફ રસ્તાને જોડતા બીજા બ્રિજ માટે પણ કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ કે સમય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.